પાણીમાં છબછબિયાં કરતાં-કરતાં વર્કઆઉટ કરો ધર્મેન્દ્રની જેમ

08 May, 2025 01:47 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

ધર્મેન્દ્રએ તાજેતરમાં પોતાનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વિમિંગ-પૂલમાં ટ્રેઇનરની મદદથી વ્યાયામ કરતા નજરે પડ્યા.

પાણીમાં છબછબિયાં કરતાં-કરતાં વર્કઆઉટ કરો ધર્મેન્દ્રની જેમ

બૉલીવુડના હીમૅન એવા અભિનેતા ધર્મેન્દ્રએ તાજેતરમાં પોતાનો એક વિડિયો શૅર કર્યો હતો જેમાં ૮૯ વર્ષની ઉંમરે તેઓ સ્વિમિંગ-પૂલમાં ટ્રેઇનરની મદદથી વ્યાયામ કરતા નજરે પડ્યા. ધર્મેન્દ્ર આ ઉંમરે પણ પાણીમાં ધીમે-ધીમે કસરત કરે છે એ વિડિયો માત્ર મનોરંજક જ નહીં પણ તેમના જેવા અનેક વૃદ્ધો માટે પ્રેરણાદાયી પણ છે. વૉટર વર્કઆઉટ તરીકે ઓળખાતી આ પદ્ધતિ ખરેખર તો એક અસરકારક વ્યાયામ પદ્ધતિ છે

આપણે સૌ જાણીએ છીએ કે સ્વિમિંગ બહુ જ અગત્યની સ્કિલ છે. જો સ્વિમિંગ આવડતું હોય તો એ શરીરને સ્વસ્થ રાખવા માટે એક અસરકારક વ્યાયામ સાબિત થાય છે. જોકે જેમ-જેમ ઉંમર વધતી જાય છે એમ સાંધાનો દુખાવો થાય છે, હાડકાં નબળાં પડે છે અને બૅલૅન્સ જવાનું સામાન્ય બનતું જાય છે. આવી સ્થિતિમાં જમીન પર વ્યાયામ કરવો કઠિન બનતો જાય છે ત્યાં તરવાનું તો લગભગ બધાને જોખમી જ લાગે છે. જોકે આ વાત જાણે ખોટી પુરવાર થઈ રહી છે. પ્રમાણમાં અઘરું દેખાય એવું પાણીમાં થતું વર્કઆઉટ જમીન કરતાં ઓછા દબાણવાળું, સુરક્ષિત અને શરીર માટે વધુ લાભદાયી સાબિત થાય છે.

વૃદ્ધો માટે કેવી રીતે ગેમચેન્જર સાબિત થઈ શકે છે વૉટર વર્કઆઉટ?

ખૂબ ઓછું અસરકારક દબાણ : જમીન પર આપણા સાંધાઓ પર શરીરનું આખું વજન રહે છે, જ્યારે તમે પાણીમાં જાઓ ત્યારે શરીરનું વજન અડધાથી પણ ઓછું થઈ જાય છે. નિષ્ણાતો કહે છે કે પાણીમાં શરીર ઘણી હદે હલકું થઈ જવાથી સાંધાઓ પર દબાણ ઓછું રહે છે.

કુદરતી અવરોધ : પાણીની ઘનતા હવા કરતાં આશરે આઠસોગણી વધુ હોવાથી પાણીમાં કરેલી દરેક હરકત તમને ચોક્કસ અવરોધ આપે છે. એટલે આમ જુઓ તો હલાવેલા હાથપગ કે સાવ સામાન્ય ચાલ પણ તમારા માટે સ્ટ્રેન્ગ્થ-બિલ્ડિંગની કસરત થઈ જાય છે.

સાંધા માટે સહેલું છતાં અસરકારક : જમીન પર કરવામાં આવતા વર્કઆઉટ સામે પાણીમાં કસરત હાડકાં અને સાંધાઓને નુકસાન કર્યા વિના સ્ટૅમિના, બૅલૅન્સ અને પાવર વધારવામાં મદદ કરે છે. આર્થ્રાઇટિસ અથવા જોડાની સમસ્યાવાળા વૃદ્ધો માટે આ એક ઉત્તમ વિકલ્પ છે.

પડવાનો ભય નહીં: વયવૃદ્ધિ સાથે પડવાનાં જોખમો વધી જાય છે, પણ પાણીમાં એવો ખતરો નહીંવત્ જ હોય છે. ઊલટું પાણીમાં સંતુલન જાળવવાનો પ્રયત્ન કરવાથી પેટના સ્નાયુઓ અને માંસપેશીઓ વધુ મજબૂત બને છે.

હૃદય માટે ઉત્તમ : પાણીમાં કરેલી કસરત હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જમીન પર કરેલા વર્કઆઉટના પ્રમાણમાં એ ઓછી મહેનતે વધુ સારી અસર બતાવે છે. એટલે કે આખા શરીર માટે એ એક સંપૂર્ણ વર્કઆઉટ સાબિત થાય છે.

શું ધ્યાનમાં રાખવું જરૂરી છે?

આમ તો આ પ્રયોગ એકદમ સુરક્ષિત છે પણ છતાંય વૃદ્ધો આને કરે તો પાણીમાં ઊતરતાં પહેલાં કેટલીક મહત્ત્વપૂર્ણ સાવચેતી જરૂરી છે:

ડૉક્ટરની સલાહ લો : ખાસ કરીને હૃદયરોગ કે અન્ય ગંભીર તકલીફ હોય તો પહેલાં મેડિકલ ક્લિયરન્સ અવશ્ય લો.

બ્લડપ્રેશર ચકાસો : જો બ્લડપ્રેશર અનિયંત્રિત હોય તો પહેલાં એનું નિયંત્રણ આવશ્યક છે. ડૉક્ટરની સલાહ અનિવાર્ય બને છે.

માર્ગદર્શક જરૂરી છે : સંતુલન વિશે સમસ્યા હોય તો વ્યાવસાયિક દેખરેખ હેઠળ કસરત શરૂ કરો.

વૃદ્ધો માટે યોગ્ય વૉટર વર્કઆઉટ

જો તમે વિચારો છો કે તમારાં દાદા-દાદી પણ પાણીમાં કસરત શરૂ કરી શકે તો અહીં કેટલીક સહેલી કસરતો છે...

પાણીમાં ચાલવું કે ધીમે-ધીમે દોડવું : સાવ સરળ દેખાતી આ કસરત ખૂબ અસરકારક છે.

ઍક્વા ઍરોબિક્સ : ફ્લોટિંગ ડમ્બેલ વાપરીને ગ્રુપમાં કરવામાં આવતું ઍરોબિકસ. મજાસાથેની કસરત.

ઍક્વા યોગ અને સ્ટ્રેચિંગ : લવચીકતા અને સંતુલન સુધારવા માટેનો શાંતિદાયી વિકલ્પ.

એકલા ક્યારેય નહીં કરો : પાણીમાં જ્યારે પણ ઊતરો ત્યારે કોઈ ટ્રેઇનર કે લાઇફગાર્ડની હાજરી હોવી જોઈએ.

પાણીનું તાપમાન સરખું હોવું જોઈએ : પાણી ખૂબ જ ઠંડું ન હોવું જોઈએ, વૃદ્ધો માટે એ સાંધાના દુખાવા અથવા હૃદય પર દબાણ ઊભું કરી શકે છે.

હાઇડ્રેટેડ રહેવું જરૂરી છે : પાણીમાં હોવાને કારણે તરસ લાગતી નથી એવું લાગે, પણ જરૂરી માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં!

 પાણીમાં વર્કઆઉટ વૃદ્ધો માટે એક આનંદદાયી, સુરક્ષિત અને સંપૂર્ણ વ્યાયામ છે. ફક્ત વૃદ્ધો જ નહીં, યુવાનો પણ એમાં જોડાઈ શકે. જોકે શરૂઆત કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ. દરેક કસરત કુશળ વ્યાવસાયિકની દેખરેખ હેઠળ થાય એ જરૂરી છે જેથી એના મહત્તમ ફાયદાઓ લણી શકાય

health tips life and style dharmendra celeb health talk bollywood bollywood news entertainment news columnists gujarati mid-day mumbai social media viral videos