ચોમાસામાં શ્વસનતંત્રનો ચેપ લાગે ત્યારે શું કરવું?

04 July, 2025 12:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુમોનિયામાં વ્યક્તિને તાવ આવે, ખાંસી થાય, ધ્રુજારી સાથે ઠંડી લાગે અને સૌથી મહત્ત્વનું લક્ષણ જેને કહી શકાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય.

પ્રતીકાત્મક તસવીર

ચોમાસામાં આપણે જાણીએ છીએ એમ કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનની શક્યતા વધારે રહે છે. ઇન્ફેક્શન્સ ઘણી રીતે લાગી શકે એમાં મુખ્ય બે પ્રકારે લાગે. એક તો ખોરાક કે મલિન પાણી પેટમાં જાય ત્યારે અને બીજું ઇન્ફેક્શન એટલે શ્વાસમાં એ રોગનાં જંતુ જાય ત્યારે. ચોમાસામાં વાતાવરણમાં ઘણાં જંતુઓ જોવા મળે છે. એ સરળતાથી ખોરાકમાં, પાણીમાં અને હવામાં ભળે છે. આપણે જે પણ તકેદારી રાખીએ છીએ એ ખોરાક અને પાણી બાબતે રાખી શકીએ પરંતુ હવા બાબતે કોઈ તકેદારી કામ આવતી નથી. ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે અને ઇન્ફેક્શનનું રિસ્ક વધુ હોવાને કારણે ફેફસાંનો રોગ ધરાવતા જેમ કે અસ્થમા કે ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ હોય એવા દરદીઓની તકલીફમાં હંમેશાં વધારો થાય જ છે.

ચોમાસામાં જોવા મળતાં ઇન્ફેક્શનમાં વાઇરલ ઇન્ફેક્શન છે અને બીજાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન પણ થઈ શકે. બન્ને ઇન્ફેક્શનમાં વ્યક્તિને લક્ષણો સરખાં જ હોય છે. શરદી, ખાંસી અને તાવ. લક્ષણો સરખાં જ હોય છે પરંતુ જો એ ઇન્ફેક્શન બૅક્ટેરિયલ હોય તો ઍન્ટિબાયોટિક આપવી પડે છે. આ સિવાય જેની ચિંતા કરવાની છે એ છે ન્યુમોનિયા, જે  બન્ને પ્રકારના હોય છે. બૅક્ટેરીયલ હોય છે અને વાઇરલ પણ હોય છે. એમાં વાઇરલ ન્યુમોનિયા જીવલેણ નીવડી શકે છે. ન્યુમોનિયામાં વ્યક્તિને તાવ આવે, ખાંસી થાય, ધ્રુજારી સાથે ઠંડી લાગે અને સૌથી મહત્ત્વનું લક્ષણ જેને કહી શકાય કે શ્વાસ લેવામાં તકલીફ થાય.

ચોમાસામાં અક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમના કેસ પણ જોવા મળે છે. આ રોગ ફેફસાંની એવી પરિસ્થિતિ છે જેનો ઇલાજ પણ કઠિન છે અને આ રોગ થયા પછી ૧૦૦માંથી ૭૦ દરદીઓ મૃત્યુ પામે છે. ચોમાસામાં અત્યારે મલેરિયા અને ડેન્ગીના પણ ઘણા વાયરા છે. મલેરિયા કે ડેન્ગીની અસર જ્યારે ફેફસાં પર થાય ત્યારે વ્યક્તિને ARDS થઈ શકે છે અને વાઇરલ ન્યુમોનિયા જેને થયો હોય તેને આ તકલીફ આવી શકે છે. એનાથી બચવાનો ઉપાય છે કે તમને જે રોગ થયો છે એને વકરવા ન દો. મલેરિયા, ડેન્ગી કે ન્યુમોનિયા કોઈ રોગ હોય એને વકરવા ન દેવો કારણ કે આ રોગમાં મૂળ તો વ્યક્તિને ઑક્સિજન પહોંચાડવો અઘરો થઈ પડે છે. બહારથી ઑક્સિજન આપીએ તો પણ ફેફસાં એ ઑક્સિજન સ્વીકારતા નથી. આમ તકલીફ વધે છે.

ચોમાસામાં આ શ્વાસ સંબંધિત રોગો વિશે જાણકારી રાખવાનો એ લાભ છે કે જો પહલેથી ખબર હોય તો લક્ષણોને અવગણ્યા વગર તમે ડૉક્ટર પાસે જલદી પહોંચી જાઓ અને પરિસ્થિતિને જલદી કાબૂમાં લઈ શકો.

-ડૉ અમિતા દોશી નેને

monsoon news mumbai monsoon health tips news life and style columnists gujarati mid day mumbai