કોરોનાથી બચવા સપ્લિમેન્ટ શરૂ કરાય?

19 January, 2022 04:49 PM IST  |  Mumbai | Dr. Sushil Shah

કાઢો પીવાનું તો અમે ફરીથી શરૂ કર્યું છે, પરંતુ સપ્લિમેન્ટ લેવા કે નહીં એ બાબતે માર્ગદર્શન આપશો. જો લેવા તો એનું પ્રમાણ શું રહેશે અને કેટલો સમય એ લેવા જોઈએ એ જણાવશો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે

 હાલમાં કોરોનાની ત્રીજી વેવ શરૂ થઈ છે. પહેલી વેવ ચાલુ થઈ હતી ત્યારે અમે વિટામિન ડી, વિટામિન સી, ઝિંક અને મલ્ટિ-વિટામિનની ગોળીઓ લેતાં હતાં. હવે જ્યારે આજે દરરોજ હજારો કેસ અને દેશમાં લાખો કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે શું પહેલાંની જેમ આ ડોઝ ફરીથી લઈ શકાય? શું એનાથી ઇમ્યુનિટીને કોઈ ફાયદો થશે ખરો? કાઢો પીવાનું તો અમે ફરીથી શરૂ કર્યું છે, પરંતુ સપ્લિમેન્ટ લેવા કે નહીં એ બાબતે માર્ગદર્શન આપશો. જો લેવા તો એનું પ્રમાણ શું રહેશે અને કેટલો સમય એ લેવા જોઈએ એ જણાવશો.
   
કોરોના શરૂ થયો ત્યારથી લોકોએ સમજવાનું એ છે કે આ નવો રોગ હતો એટલે એના ઇલાજ અને એનાથી બચવાના જે પણ ઉપાય હતા એ પણ ટ્રાયલ અને એરર બેઝ પર જ ચાલતા હતા. એ મુજબ દરેક વ્યક્તિએ વિટામિનોનાં સપ્લિમેન્ટ લીધાં. એમ સમજો કે ડૂબનારને તરણાનો સહારો હતો. લોકોને કશું સમજાતું હતું નહીં એટલે એ સપ્લિમેન્ટ લઈને સંતોષ માણી રહ્યા હતા કે તેઓ પોતાના શરીરને કોરોના માટે તૈયાર કરી રહ્યા છે. જ્યારે દરદી ડૉક્ટર પાસે જાય છે અને એને ખાસ કોઈ દવાની જરૂર નથી હોતી ત્યારે દરદીના મનના સંતોષ માટે ડૉક્ટર્સ મલ્ટિ-વિટામિનની ગોળીઓ લખી આપે છે, જે લેવાથી નુકસાન પણ નથી અને દરદીને માનસિક રીતે પણ સારું લાગે છે. 
એવું જ કોરોના વખતે થયું. વિટામિન સી અને ઝિંક બન્ને લેવાનો કોઈ ખાસ અર્થ સરતો નથી, કારણ કે આ બે વર્ષમાં કશું પુરવાર થયું નથી કે એ બન્ને કોરોના સામે લડવા માટે મદદરૂપ છે. હા, વિટામિન ડી વિશે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે વિટામિન ડીનાં સપ્લિમેન્ટ લેવાથી ઇમ્યુનિટીમાં ચોક્કસ ફરક દેખાય છે. એના સાબિત થયેલા રિઝલ્ટ પણ છે. જો તમે એક વર્ષથી એનાં સપ્લિમેન્ટ ન લીધાં હોય તો એ લઈ લેજો. વિટામિન ડી ઘણાં જુદાં-જુદાં ફૉર્મેટથી મળે છે. સપ્લિમેન્ટ કે ઇન્જેક્શન પણ હોય છે. તમારા ડૉક્ટરની સલાહ મુજબ તમે એ લઈ શકો છો. બાકી કોરોનાના થર્ડ વેવથી બચવા વૅક્સિનેશન વધુ મહત્ત્વનું છે. જો બે ડોઝ થઈ ગયા હોય તો પણ એક બૂસ્ટર ડોઝ ચોક્કસ લઇ લેવો, કારણ કે એ વધુ ઉપયોગી સાબિત થશે. આ સિવાય માસ્ક પહેરવો જ, હાથ સૅનિટાઇઝ કરતા રહેવા અને જેટલું બની શકે બહાર ન જવું. આ એવા સૉલ્યુશન છે જે ઘરાં કામના છે. 

columnists health tips coronavirus covid19