કોરોના ફરી આવી શકે છે તો રસી શા માટે મુકાવવી?

24 March, 2021 11:24 AM IST  |  Mumbai | Dr. Tushar Shah

હું વિચારું છું કે વૅક્સિન ન લઉં. જો રોગ ફરી થવાનો જ હોય તો વૅક્સિન શા માટે લેવી?

પ્રતીકાત્મક તસવીર

હું ૬૦ વર્ષનો સિનિયર સિટિઝન છું. હાલમાં ચારેતરફ કોરોનાની વૅક્સિન લેવી કે ન લેવી એની ચર્ચાઓ સંભળાયા કરે છે. વૅક્સિનની અસરકારકતા પર પશ્નો ઊઠી રહ્યા છે. હાલમાં ઘણા અખબારી અહેવાલો મુજબ કોરોના વૅક્સિનના બે શૉટ લઈ લીધા પછી પણ લોકોને કોરોના થઈ રહ્યો છે. બહારના દેશોમાં જ નહીં, ભારતમાં પણ જે લોકોએ વૅક્સિન લીધી તેમને પણ આ રોગ પાછો આવ્યો છે. આ સમાચારો વાંચીને મારું મન ડામાડોળ થઈ રહ્યું છે. હું વિચારું છું કે વૅક્સિન ન લઉં. જો રોગ ફરી થવાનો જ હોય તો વૅક્સિન શા માટે લેવી?

એ વાત સાચી છે કે લોકોને કોરોના વૅક્સિન લીધા પછી પણ ઇન્ફેક્શન આવવાની શક્યતા રહે છે, પરંતુ એનો અર્થ એ બિલકુલ નથી કે વૅક્સિન કામની નથી. પહેલું એ સમજી લેવું જરૂરી છે કે જો તમે એક જ શૉટ લીધો હોય તો તમને ઇન્ફેક્શન થવાની શક્યતા છે. જો તમે બન્ને શૉટ લઈ લીધા હોય તો પણ અમુક કેસમાં તમને કોવિડ ઇન્ફેક્શન આવી શકે છે, પરંતુ સમજવાની બાબત એ છે કે વૅક્સિનને કારણે ઇન્ફેક્શન આવતું નથી. વૅક્સિન એકદમ સેફ છે અને વૅક્સિન તમને કોવિડ સામે રક્ષણ પણ આપે જ છે. એક અંદાજિત આંકડો આપું તો જ્યારે વૅક્સિનના બન્ને શૉટ લઈ લીધા બાદ ૧૫ દિવસ થઈ ગયા હોય તો તમને આ વૅક્સિનને કારણે ૭૦ ટકા રક્ષણ મળી રહ્યું છે, એમ માની શકાય. મતલબ કે આ પરિસ્થિતિમાં ૧૦૦માંથી ૭૦ જણને લક્ષણોની સાથે આવતું કોવિડ ઇન્ફેક્શન નહીં જ થાય. અમુક કેસમાં જો તમને કોવિડ થાય તો પણ એનાં લક્ષણો ખૂબ જ માઇલ્ડ હશે. આ રસીથી ૧૦૦ ટકા એ પ્રકારનું રક્ષણ મળશે કે તમને કોવિડ થયું હશે તો પણ તમે મરશો તો નહીં જ. સૌથી મહત્ત્વનું રક્ષણ જે આ વૅક્સિન પૂરું પાડે છે એ આ છે. માટે અહીં કોઈ સવાલ જ નથી ઊઠતો કે રસી લેવી કે નહીં. રસી બધાએ લેવી જ જોઈએ. રસી ફક્ત તમને જ નહીં, તમારી આજુબાજુના લોકોને પણ રક્ષણ આપે છે, કારણ કે રસી તમે નહીં લો અને તમને કોરોના થશે તો તમે બીજા લોકોને પણ એનો ચેપ લગાડશો. ખુદની ચિંતા ન હોય તો પણ, આપ્તજનોને અને સમાજને આ રોગથી મુક્ત કરવા રસી તમારે મુકાવવી જ જોઈએ.

columnists covid19 coronavirus health tips