આપણી સંવેદનાનું સ્ટેથોસ્કોપ તપાસી લઈએ

19 June, 2025 07:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દરવાજો તેના મોઢા પર બંધ થઈ જાય છે અને તે યુવાનના હૃદયમાં એક નિસાસો ભરાઈ બેસે છે. ફાસ્ટ ડિલિવરી અને સ્ટાર રેટિંગના આ નવા વિશ્વમાં આપણે આવી ગયા છીએ

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી હાઇવેથી વેસ્ટમાં જતા બ્રિજ પર ૨૨-૨૩ વર્ષનો એક યુવાન ઝડપથી બાઇક ચલાવી ગીચોગીચ રસ્તા પર પોતાનો આગળ જવાનો માર્ગ બનાવી રહ્યો છે. તેની એક નજર ઘડિયાળ પર અને બીજી નજર ખાલી રસ્તાને શોધી રહી છે. ટ્રાફિક-પોલીસ તેની અધીરાઈ સમજે છે, સીટી જોરથી વગાડી ટ્રાફિકમાં રસ્તો બનાવવા તે પ્રયત્નશીલ છે. આ યુવાનને વાગી ન જાય એ માટે બાકીના લોકો ચિંતા કરે છે તો કેટલાક તેની યુવાની અને ઉતાવળ માટે નારાજગી વ્યક્ત કરે છે. પણ આ બધાથી બેફિકર યુવાન પોતાના મુકામે પહોંચે છે ત્યારે તેની જ ઉંમરનો એક યુવાન દરવાજો ખોલે છે, પાર્સલ લે છે અને દરવાજો બંધ કરવાની ઉતાવળમાં જ હોય છે ત્યારે આ યુવાન કહે છે, ‘સર, ફીડબૅકમાં પાંચ સ્ટાર આપશોને પ્લીઝ?’ 

સામેનો યુવાન કહે છે, ‘નો વે, નૉટ પૉસિબલ. તું ત્રણ મિનિટ મોડો હતો.’

પેલો યુવાન કહે છે, ‘સૉરી સર, પણ ટ્રાફિક વધારે હતો. મેં એકદમ ફાસ્ટ ડિલિવરીનો પ્રયત્ન કર્યો હતો.’

દરવાજો તેના મોઢા પર બંધ થઈ જાય છે અને તે યુવાનના હૃદયમાં એક નિસાસો ભરાઈ બેસે છે. ફાસ્ટ ડિલિવરી અને સ્ટાર રેટિંગના આ નવા વિશ્વમાં આપણે આવી ગયા છીએ. પૈસાથી બધું ખરીદી શકાય છે એ સમજણ દૃઢ બની રહી છે અને પરિણામે સંવેદનશીલતા સુકાઈને ખરી રહી છે. દરેક ગ્રાહકને અધિકાર છે પોતાના હક માગવાનો, પણ આપણી વર્તણૂક સામેના માણસની આર્થિક ક્ષમતા મુજબ બદલાતી હોય છે. માણસને કહી દેવાની, સંભળાવી દેવાની, સામેવાળાને જગ્યા બતાવી દેવાની ઉતાવળ છે. મશીનની જેમ વિચારતું અને અપેક્ષા રાખતું આપણું હૃદય ક્યારેક એટલું તાર્કિક થઈ જાય છે કે સામેનાનું જે થવાનું હોય તે થાય, પણ મને એક મિનિટ પણ મોડું નહીં ચાલે.

સગવડ, ટેક્નૉલૉજી અને એક ક્લિક પર ઉપલબ્ધ સામગ્રીના વિશ્વમાં એક બાબત ભૂલવા જેવી નથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનાર માણસ છે, મશીન નથી. અને તેણે શહેરના ટ્રાફિકને કાપીને તમારા સુધી પહોંચવાનું છે. કંપનીએ હરીફાઈમાં ટકી રહેવા અવાસ્તવિક સપનાંઓ વેચ્યાં છે જેને પૂરાં કરવા માટે માનવબળ પોતાની શક્તિથી પૂરો પ્રયાસ કરે છે, પણ એ આકાશમાં ઊડતા દેવ નથી બની શકતા.

હવે પ્રશ્ન એ છે કે આપણી માનવતાનો કોઈ ફાયદો ઉપાડે તો શું? એ પરિસ્થિતિ આમ તો ઉત્તમ કે કોઈ માનવતાનો ફાયદો ઉપાડે, પણ તાર્કિક જવાબ એ છે કે જેમ પ્રોજેક્ટમાં બફર રખાય છે એમ માનવતાનો પણ એક રાહત સમય ફાળવીએ. પાંચ કે સાત મિનિટની મોડી ડિલિવરી થાય તો તમે તેને અપમાનિત નહીં કરો, શક્ય હોય તો તેને પાણી આપજો અને તેનો આભાર માની સ્માઇલ આપજો. એ માણસને તમારા વર્તનથી હકારાત્મક એનર્જી મળશે. અને  ગુસ્સો ન કરવાને કારણે આવેલી વસ્તુનો આનંદ પણ ટકી રહેશે.

borivali zomato swiggy news mumbai Sociology travel technology news travel news columnists gujarati mid-day