22 April, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લાઇફને વધુ ઈઝી બનાવતાં અવનવાં ગૅજેટ્સ છાશવારે માર્કેટમાં આવતાં જ રહે છે. એમાંથી એક છે મલ્ટિફંક્શનલ કૉફી-ટેબલ. આ ટેબલ ફક્ત ટેબલ નથી, એમાં ઇનબિલ્ટ રેફ્રિજરેટર પણ છે. ટેબલની અંદરના ભાગમાં બે મોટાં ખાનાંવાળું ફ્રિજ બનાવાયું છે. એમાં કોલ્ડ ડ્રિન્ક્સ, પાણી, નાસ્તો કે ફ્રૂટ્સ રાખી શકો. જો મહેમાન આવ્યા હોય તો કિચનમાં કોલ્ડ ડ્રિન્ક અને નાસ્તો બનાવવાની કે લેવા જવાની જરૂર પડતી નથી. વાપરવામાં સૌથી ઈઝી કહેવાતા આ મલ્ટિફંક્શનલ અને સ્ટાઇલિશ દેખાતા ટેબલમાં ઇનબિલ્ટ ફ્રિજ સૌથી મહત્ત્વનું આકર્ષણ છે જ અને એનાં અન્ય સ્માર્ટ ફીચર્સ પણ છે જેને જાણ્યા બાદ તમને ખરેખર આ ટેબલ ઘરમાં વસાવવાનું મન થઈ જશે.
ટેબલની સપાટી પર ટચ-સ્ક્રીન છે જેમાંથી ટેમ્પરેચર કન્ટ્રોલ, લાઇટ ચાલુ-બંધ અને મ્યુઝિકને કન્ટ્રોલ કરી શકાય છે.
ટેબલમાં ઇનબિલ્ટ સ્પીકર્સ પણ આપેલાં છે જે તમારા ફોન અથવા અન્ય ડિવાઇસથી બ્લુટૂથ દ્વારા કનેક્ટ થઈ શકે.
મોબાઇલ કે ટૅબ્લેટ ચાર્જ થઈ શકે એ માટે ટેબલમાં USB પોર્ટ અને લૅપટૉપ ચાર્જ કરવા માટેના પોર્ટ પણ આપેલા છે. આ સાથે ટેબલ પર વાયરલેસ ચાર્જિંગની પણ સુવિધા આપવામાં આવી છે.
અંદરથી અને બૉટમથી રૂમનો લુક આકર્ષક લાગે અને ટેબલ હાઇલાઇટ થાય એ માટે LED લાઇટિંગ પણ છે.
આ ટેબલમાં ઇન્ટેલિજેન્ટ અલાર્મ સિસ્ટમ છે, એમાં તમે ચોક્કસ સમય માટે ટાઇમર સેટ કરી શકો છો જેથી એ તમને નાસ્તા, લંચ કે ડિનરના સમયની યાદ અપાવી શકે.
કેટલાંક કૉફી-ટેબલ ફ્રિજમાં વધારાનાં સ્ટોરેજ ડ્રૉઅર્સ હોય છે. એમાં અખબાર, ટીવી રિમોટ અને પુસ્તકો રાખી શકાય.
ઑનલાઇન ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ્સ પર આ પ્રકારનાં ડિજિટલ ટેબલ્સની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ છે.