22 May, 2025 07:07 AM IST | Mumbai | Sudhir Shah
પ્રતીકાત્મક તસવીર
જો કોઈ પરદેશી અમેરિકન સિટિઝન જોડે લગ્નગ્રંથિથી બંધાય તો એ અમેરિકન સિટિઝન તેમના માટે ‘ઇમિજેએટ રિલેટિવ’ કૅટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વીઝાની પિટિશન દાખલ કરી શકે છે. આવી પિટિશનો ક્વોટાનાં કોઈ પણ પ્રકારનાં બંધનોથી સીમિત નથી હોતી. આથી એ જેવી પ્રોસેસ થઈને અપ્રૂવ્ડ થાય, જે પરદેશીના લાભ માટે દાખલ કરવામાં આવી હોય એ પરદેશી તેના દેશમાં આવેલી અમેરિકન એમ્બેસી યા કૉન્સ્યુલેટમાં જઈને અરજી કરીને ઇન્ટરવ્યુ આપીને ઇમિગ્રન્ટ વીઝા મેળવી શકે છે જે શરૂઆતમાં બે વર્ષના કન્ડિશનલ હોય છે. બે વર્ષ પૂરાં થાય એટલે એ પરદેશી, તેણે જેની સાથે લગ્ન કર્યાં હોય, એ અમેરિકન સિટિઝન સાથે સંયુક્ત અરજી કરીને દેખાડી આપે કે તેમનાં લગ્ન હયાત છે અને એ બે વર્ષ દરમિયાન તેઓ પતિપત્ની તરીકે સાથે રહ્યાં છે એટલે તેમનું બે વર્ષની મુદતનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ કાયમનું કરી આપવામાં આવે છે.
અમેરિકન સિટિઝન જોડે લગ્ન કરતાં આમ ક્વોટાનાં બંધનો સિવાય ઝટપટ ગ્રીન કાર્ડ મળતું હોવાથી અનેક પરદેશીઓ, અમેરિકન સિટિઝનો જોડે લાખ-બે લાખ યા એથી પણ વધુ ઓછા ડૉલર આપીને બનાવટી લગ્ન કરે છે, ઇમિગ્રન્ટ વીઝા મેળવે છે. એ મેળવ્યા બાદ અમેરિકામાં પ્રવેશ કરીને કન્ડિશનલ ગ્રીન કાર્ડ મેળવે છે અને બે વર્ષ પછી તેમનું ગ્રીન કાર્ડ પર્મનન્ટ કરાવી લીધા બાદ તેમણે જે અમેરિકન સિટિઝન જોડે બનાવટી લગ્ન કર્યાં હોય તેમનાથી ડિવૉર્સ લઈને છૂટા થઈ જાય છે. પછી તેમને જે ગ્રીન કાર્ડ મળ્યું હોય એના દ્વારા અમેરિકામાં કાયમ રહે છે અને તેમનું અમેરિકન ડ્રીમ સાકાર કરે છે. કન્ડિશનલ ગ્રીન કાર્ડ કાયમનું કરવા માટે તેમણે અમેરિકન સિટિઝન, જેની સાથે બનાવટી લગ્ન કર્યાં હોય, તેની જોડે પોતાનું ગ્રીન કાર્ડ કાયમ કરવા માટે સંયુક્ત અરજી કરવાની રહે છે. એ સમયે એ અમેરિકન સિટિઝન વધુ પૈસાની માગણી કરે છે. નાછૂટકે એ પરદેશીએ તેમનું ગ્રીન કાર્ડ કાયમનું કરાવવા માટે અને જેમની જોડે લગ્ન કર્યાં હોય એ બનાવટી પત્ની યા પતિથી છુટકારો મેળવવા માટે તેમની વધુ પૈસાની માગણી પૂરી કરે છે.
આવાં બનાવટી લગ્ન કરીને ગ્રીન કાર્ડ મેળવવાના કિસ્સાઓ દિવસે-દિવસે વધતા જ ગયા. આથી અમેરિકાની સરકારે ‘ધ ઇમિગ્રેશન મૅરેજ ફ્રૉડ અમેન્ડમેન્ટ્સ ઍક્ટ’ ઘડ્યો. એવું ઠરાવવામાં આવ્યું કે બનાવટી લગ્ન કરનારાઓને પાંચ વર્ષ સુધીની જેલ અને પચાસ હજાર ડૉલર સુધીનો દંડ કરવો. આમ છતાં અમેરિકન સપનું ધરાવતા અનેક પરદેશીઓ બનાવટી લગ્ન કરે છે. અનેકો પછડાય છે અને પસ્તાય છે.