21 July, 2025 08:53 AM IST | Mumbai | Aashutosh Desai
પાટોદા ગામ
કાર્બન-ફ્રી હોવાને કારણે નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’માં ચમકેલું પાટોદા ગામ છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં છે. આ ગામ અનેક અવૉર્ડ્સ મેળવી ચૂક્યું છે. પોતાની આગવી જીવનશૈલીને કારણે માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પણ હવે તો આખાય ભારતમાં આ ગામ જાણીતું બની ચૂક્યું છે. મહારાષ્ટ્રના શિરમોર જેવું આ ગામ છત્રપતિ સંભાજીનગરથી માત્ર ૧૦ કિલોમીટરના અંતરે આવેલું છે.
કાર્બન-ન્યુટ્રલ પંચાયત
આ ગામમાં આપણે પ્રવેશ કરીએ એટલે ગ્રામપંચાયતની ઑફિસમાં આપણને ઘણાબધા અવૉર્ડ્સ ગોઠવાયેલા દેખાય, પછી એ માઝી વસુંધરા અભિયાનનો અવૉર્ડ હોય કે ભારતના રાષ્ટ્રપતિ તરફથી મળેલો અવૉર્ડ. આ ગામને હવે અવૉર્ડ્સ મેળવવાનું જાણે કોઠે પડી ગયું છે કારણ કે પાટોદા ગ્રામપંચાયત એક ‘કાર્બન-ન્યુટ્રલ ગ્રામપંચાયત’ છે. આ ગામના લોકોએ પોતાના આ રહેણાક વિસ્તારમાં અને રોજિંદી જિંદગીમાં અનેક એવી યુનિક આદતો અને વ્યવસ્થા રાખી છે કે જે બધી ભેગી મળીને એને મહારાષ્ટ્રનું જ નહીં પરંતુ ભારતનું એક વિશેષ ગામ હોવાનો દરજ્જો પૂરો પાડે છે.
આખાય પાટોદા ગામના દરેક ઘરમાં નાહવા માટે ગરમ પાણીની સુવિધા છે અને એ પણ વૉટર હીટર દ્વારા. આખા ગામની તમામ સ્ટ્રીટલાઇટ LED છે અને એ બધી જ સૌર ઊર્જા દ્વારા ઝગમગે છે. ગ્રામપંચાયત દ્વારા આખા ગામને દર વર્ષે ઝાડના રોપા મફત વહેંચવામાં આવે છે. દરેક ગ્રામજન એ રોપા દ્વારા ટ્રી-પ્લાન્ટેશન તો કરે જ છે અને સાથે જ રોપેલા વૃક્ષની કાળજી પણ તે પોતે જ લે છે. ગામમાં અનેક જગ્યાએ ઇલેકિટ્રક વ્હીકલ (EV) માટેનાં ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યાં છે જેથી ગ્રામજનોને ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર કે ફોર-વ્હીલર જ વાપરવાનું પ્રોત્સાહન મળે.
ઘરનો કચરો ઘરમાં જ ખપે
આ સિવાય આ ગામની બે સૌથી આકર્ષક બાબતો છે કચરો અને પાણી. આખાય પાટોદા ગામના એક પણ ઘરમાંથી કોઈ પણ પ્રકારનો કચરો બહાર નીકળતો જ નથી. સામાન્ય રીતે ઘર કે સોસાયટીમાં એક કચરાટોપલી રાખવામાં આવી હોય અને આપણે ઘરનો કે સોસાયટીનો કચરો એમાં નાખીએ અને સવાર પડ્યે નગરપાલિકાની ગાડીને એ કચરો લઈ જાય, ખરુંને? પણ પાટોદા ગામમાં આવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર જ નથી, કારણ કે આ ગામના લોકો ક્યારેય પોતાના ઘરનો કચરો બહાર ફેંકતા જ નથી. તમને થશે કે ફેંકતા નથી તો કરે છે શું? બાયોડાઇવર્સિટી જેવું કંઈક સાંભળ્યું છે? બસ કંઈક એવી જ વ્યવસ્થા આ ગામે આપનાવી છે જે વિશે આપણે આગળ વાત કરીએ. અને બીજી બાબત એટલે પાણી. આ ગામ પર્યાવરણ અને પ્રકૃતિ બાબત એટલું જાગૃત છે કે એ લોકો ગામના ગંદા પાણીને પણ શુદ્ધ કર્યા બાદ જ નદીમાં વહી જવા દે છે. ગામના ગંદા પાણીનું એક ટીપુંય નદીમાં ન જાય એની પણ કાળજી લે છે.
ખૂબબધા અવૉર્ડ્સ મેળવનારા આ નાનકડા ગામમાં સભાગૃહ પણ છે.
પ્રારંભ ક્યાંથી થયો?
ગામની વસ્તી ત્રણ હજારની છે અને ભાસ્કર પેરે પાટીલ ગામના સરપંચ છે. વાત છે આજથી લગભગ વીસ વર્ષ પહેલાંની, જ્યારે પાટોદા નામનું આ ગામ વ્યવસ્થાના નામે શૂન્ય હતું. ખરાબ આર્થિક પરિસ્થિતિવાળાં ઘર અને ગામના રસ્તાઓ પણ એવી જ ખસ્તા હાલતમાં. ગંદું પાણી, ગંદી ગલીઓ, ગંદા રસ્તા અને ગંદાં ઘરો. આ બધાને કારણે ગંદા પાણીનાં નાળાં વહ્યા કરે અને જમીનની ઉત્પાદકતા પણ તળિયે ચાલી ગયેલી. આ બધાને કારણે ગ્રામવાસીઓનું વારંવાર બીમાર પડવું તો જાણે સામાન્ય બાબત થઈ ગઈ હતી. છત્રપતિ સંભાજીનગરથી માત્ર દસ જ કિલોમીટર દૂર આવેલા ગામની હાલત એવી હતી કે ત્યાં રહેતા બાળકનું ભવિષ્ય જાણે ઘોર અંધારામાં હતું.
તો પછી છેલ્લાં વીસ વર્ષો દરમિયાન એવું તે શું થયું કે આખાય ગામની કાયાપલટ થઈ ગઈ? આજે દરેક ઘરની બહાર કમસે કમ એક લીલુંછમ ઝાડ દેખાય છે. દરેક ઘરને ગ્રામપંચાયત દ્વારા ચાર પ્રકારનું પાણી સંપૂર્ણ મફતમાં આપવામાં આવે છે એટલું જ નહીં, મજાની વાત એ છે કે ગામના રહેવાસીઓને જે કોઈ મૂળભૂત જરૂરિયાતની કૉમન વસ્તુની જરૂર હોય એ બધી જ ગ્રામપંચાયત દ્વારા મફત આપવામાં આવે છે. અર્થાત્ એમ સમજો કે એક સાઇકલના ટાયરમાં હવા ભરવાથી લઈને આખાય ગામમાં વાઇફાઇ સુધ્ધાં ગ્રામપંચાયત દ્વારા મફત આપવામાં આવે છે.
ગામની સ્વચ્છતા જુઓ.
દરેક કર્મચારી માટે થમ્બ-સ્ક્રીનિંગની લૉગ-ઇન વ્યવસ્થાથી લઈને આખાય ગામના દરેક માર્ગ પર દરેક ખૂણે CCTV કૅમેરા લાગ્યા હોય એટલું આધુનિક આ પાટોદા ગામ છે જ્યાં આખાય ગામના દરેક માર્ગ પર દર પચાસ મીટરના અંતરે એક વૉશ-બેસિન મૂકવામાં આવ્યું છે.
૧૯૯૯નું એ વર્ષ જ્યારે તમામ ગ્રામવાસીઓને બોલાવી એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું. વાત થઈ કે ગામની પરિસ્થિતિ સુધારવી તો છે પણ સુધારીશું કઈ રીતે? કારણ કે, કંઈ પણ કરવા માટે સૌથી પહેલી જરૂર પડશે પૈસાની. દરેક પ્રકારના પ્રયત્નો કરી જોવા છતાં પણ જ્યારે ભંડોળની કોઈ વ્યવસ્થા ન થઈ શકી ત્યારે ગામલોકોએ નક્કી કર્યું કે પોતે જ પોતાની રીતે ભંડોળ ભેગું કરીએ તો કેવું? અને વિચાર જન્મ્યો OSRનો. મતલબ કે ઓન સોર્સ રેવન્યુ.
ગામમાં સૌરઊર્જાથી સ્ટ્રીટ-લાઇટ ચાલે છે.
૧૦૦ ટકા વસ્તી ટૅક્સપેયર
આ ગામનું એક પણ ઘર એવું નથી જે ટૅક્સપેયર નથી. પાટોદાની ૧૦૦ ટકા વસ્તી આ દેશની જવાબદાર ટૅક્સપેયર જનતા છે. અને જુઓ તો ખરા, ગામલોકો દ્વારા જ બનતી ગ્રામપંચાયતે એક અનોખો કાયદો એ સમયે એટલે કે ૧૯૯૯ની સાલમાં સર્વસંમતિએ બનાવ્યો જેનું નામ છે OSR. OSR કંઈક એવી વ્યવસ્થા છે કે આખું ગામ ગ્રામપંચાયતને ટૅક્સ આપે છે અને એના બદલામાં પંચાયત તેમને સુવિધા પૂરી પાડે છે. આજે હવે આ વ્યવસ્થા અંતર્ગત આખુંય ગામ દર વર્ષે અંદાજે ૨૫ લાખ રૂપિયા જેટલી રકમ ટૅક્સ તરીકે ગામ માટે ભરે છે એટલું જ નહીં, આ સાથે એવો પણ નિર્ણય લેવાયો કે જે વ્યક્તિ ટૅક્સ નહીં ભરે તેને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવશે નહીં.
પણ જે પરિવારની આર્થિક હાલત જ કફોડી હોય ત્યાં માણસ ટૅક્સ ભરવાની ઇચ્છા હોવા છતાં ભરી ન શકે તો શું? ગ્રામપંચાયત પણ આ વાત જાણતી હતી અને એનો ઉપાય હતો ખેતીની બિનઉપજાઉ જમીનને ગંદું પાણી નહીં પણ ચોખ્ખું પાણી આપવામાં આવે. જો ચોખ્ખું પાણી મળશે તો ખેતી ફરી શરૂ થશે અને ખેતી દ્વારા આર્થિક પરિસ્થિતિ પણ ધીરે-ધીરે સુધારી શકાશે. સૌથી પહેલું કામ થયું પાઇપલાઇન દ્વારા ચોખ્ખું પાણી ખેતરો સુધી પહોંચાડવાનું. ધીરે-ધીરે ખેતી શરૂ થઈ અને આર્થિક હાલત સુધરતાં ધીરે-ધીરે લોકો પંચાયતનો નક્કી કરેલો ટૅક્સ આપવા માટે આગળ આવવા માંડ્યા. જોકે ટૅક્સ તરીકે જેટલા પૈસા આપવાની સ્થિતિ બની હતી એટલા પૂરતા નહોતા. તો હવે કરવું શું? સરપંચ અને પંચાયતે મળીને એ માટે એક સાવ નોખો વિકલ્પ વિચાર્યો. તેમણે વિચાર્યું કે જે રીતે કોઈ કંપની પોતાની પ્રોડક્ટ વેચવા માટે એક પર એક ફ્રીની સ્કીમ રાખે છે એ જ રીતે આપણે પણ લોકોને કંઈક એવું આપીએ જેથી વધુ ને વધુ લોકો સ્વેચ્છાએ આગળ આવે. આ માટે નક્કી થયું ફ્લોર મિલ અને RO (રિવર્સ ઑસ્મોસિસ) વૉટર વ્યવસ્થા. ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બની રહી હતી કે કોઈક પંચાયતે કંઈક સાર્વજનિક વ્યવસ્થા ઊભી કરવાને માટે પ્રાઇવેટ લોન લીધી હોય. આંકડો હતો ૧ લાખ રૂપિયા. સરપંચસાહેબે પ્રાઇવેટ લોન લઈને એક ફ્લોર મિલ એટલે કે અનાજ દળવાની ચક્કી શરૂ કરાવી. જાહેરાત કરવામાં આવી કે જે પણ ગ્રામવાસી પંચાયતમાં ટૅક્સ ભરશે તે આખું વર્ષ પોતાનું અનાજ આ ફ્લોર મિલમાં મફત દળાવી શકશે. અને શરૂ થયું ટૅક્સભરણું. પોતાની જમીન ધરાવતી દરેક વ્યક્તિએ પ્રતિ ૧૦૦ સ્ક્વેર ફીટ ૨૫ રૂપિયા વાર્ષિક ટૅક્સ ભરવાનો. તમે માનશો? એક જ વર્ષમાં એ ટૅક્સની રકમ દ્વારા પેલી ૧ લાખની પ્રાઇવેટ લોન ચૂકવી દેવામાં આવી.
ગામમાં ઇલેક્ટ્રિક વાહન માટેનું ચાર્જિંગ સ્ટેશન છે.
પાણી અને સ્કૂલ
હવે બીજો ઉપાય કરવાનો હતો રોજિંદી જિંદગીમાં વપરાતા પાણી માટેનો. દરરોજ સવારે ગ્રામજનો માટે પંચાયત નાહવા અને અન્ય ઉપયોગ માટે ગરમ પાણી આપે છે. એ સિવાય દરેક ટૅક્સપેયરના ઘરે રોજનું ૨૦ લિટર ચોખ્ખું પાણી મફત મળે છે. આ સિવાય ખેતીલાયક પાણી અલગ અને માર્ગ કે ઘર ધોવા માટેનું પાણી અલગ. બીમારી, ગરીબી આ બધું હવે ધીરે-ધીરે આખાય ગામમાંથી વિદાય લેવા માંડ્યું હતું. લોકોને સમજાઈ ચૂક્યું હતું કે OSR દ્વારા વાસ્તવમાં તેમને માટે જ કેટલી મોટી સુવિધાઓ ઊભી થઈ રહી છે. હવે પછી જરૂરિયાત હતી ભણતરની યોગ્ય વ્યવસ્થા. એ જ ટૅક્સની રકમમાંથી સ્કૂલોની પરિસ્થિતિ સુધારવામાં આવી અને નવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી. બાળકોને સારા ભણતરની સાથે જ રોજ એક ગ્લાસ ગરમ દૂધ પણ સ્કૂલમાં જ મફત આપવાનું શરૂ કરવામાં આવ્યું. સાથે જ ટૅક્સની જરૂરિયાત અને સફાઈનું મહત્ત્વ જેવી બાબતો બાળકોને ભણતર સાથે જ સમજાવવાનું શરૂ કરવામાં આવ્યું.
અઠવાડિયામાં એક દિવસ ગ્રામસભાનું આયોજન થતું (આજે પણ થાય છે) અને એ સભામાં ચર્ચા કરવામાં આવતી કે શું થઈ રહ્યું છે અને હવે પછી શું કરવા જેવું છે. હવે જ્યારે તમે સરપંચ ભાસ્કર રાવને કે ગામના સામાન્ય લોકોને આ વિશે પૂછો કે એવું તે તમે શું સ્પેશ્યલ કરો છો કે ગ્રામપંચાયત આટલી બધી વ્યવસ્થા ઊભી કરવા માટે સક્ષમ છે? તો તેઓ માત્ર એક જ વાત કહે છે કે અમે સરકાર તરફથી જેટલી અને જે કંઈ વ્યવસ્થા મળે છે એ તમામનો પૂર્ણ ઉપયોગ કરીએ છીએ; બસ, એથી વિશેષ બીજું કશું જ નહીં. જોકે સાચું કહીએ તો તેમના આ જવાબ ‘કશું જ કરતા નથી’માં જ ઘણુંબધું કરતા હોવાનો જવાબ છુપાયેલો છે.
પાટોદામાં અદ્ભુત પાણીવ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
બીજું તો ઘણું
આખાય ગામની કોઈ પણ વ્યક્તિ ઘરનો કચરો પોતાના ઘરની બહાર ફેંકતી નથી. દરરોજ સવારે સાત વાગ્યે આખાય ગામમાં એક ઘંટાગાડી નીકળે અને દરેકના ઘરનો ઘન કચરો એ ગાડી દ્વારા જમા કરવામાં આવે. એ કચરાને બાયોડાઇવર્સિફાઇડ પ્રોસેસ દ્વારા ઉપજાઉ ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે. પ્લાસ્ટિક થેલી વગેરે વાપરવાનો તો આમેય એ લોકોએ સ્વૈચ્છિક નિષેધ રાખ્યો છે. આથી એનો નિકાલ કરવાનો તો પ્રશ્ન સર્જાય એમ જ નથી. ઉપરથી દર શનિવારે સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ સાથે મળી ગ્રામ સફાઈ અભિયાન પણ કરે છે જેથી વિદ્યાર્થીઓમાં પણ સાફસફાઈની આદત અને સંસ્કાર પડે.
આ સિવાય એ લોકોએ ગામના ગંદા પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ પણ તેમના પોતાના જ ટૅક્સથી એટલે કે OSR દ્વારા બનાવ્યો છે જેથી ગંદું પાણી નદીમાં ન જાય અને નદી ગંદી ન થાય. એટલું જ શું કામ, આ એક એવું ગામ છે જ્યાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમક્રિયા પણ છાણાં બાળીને કરવામાં આવે છે. લાકડાંનો એમાંય વપરાશ થતો નથી. અરે વાત હજી અહીં જ પૂર્ણ નથી થઈ જતી, એ મૃત વ્યક્તિની અંતિમ ક્રિયા બાદ જે રાખ જમા થાય એનો પણ ગામ લોકો વૃક્ષારોપણમાં ઉપયોગ કરે છે. જાણે મૃતાત્માને નવાં વૃક્ષ તરીકે નવજન્મ આપી રહ્યા હોય. કેટલો અદ્ભુત વિચાર છે આ. આજે તો હવે આખુંય ગામ સૌર ઊર્જાનું ઉત્પાદક બની ચૂક્યું છે. દરેકના ઘરની ઉપર અને ગ્રામપંચાયતની ઑફિસની ટેરેસ પર પણ સોલર પૅનલ્સ જોવા મળે છે.
પેલી હિન્દીમાં એક ઉક્તિ છે, ‘જહાં ચાહ હૈ વહાં રાહ હૈ’. પણ અહીં તો પાટોદાની ચાહ એટલી સકારાત્મક સાબિત થઈ કે વ્યક્તિગત જીવન જ નહીં પણ આખેઆખા ગામની જ શકલ બદલી નાખી. આજે પાટોદા એક કાર્બન-ફ્રી, પૉલ્યુશન-ફ્રી, બગાડ-ફ્રી એવું ગામ છે જે પોતાની મહત્તમ જરૂરિયાતો ફ્રીમાં ભોગવે છે માત્ર ઓન ઓર્સ રેવન્યુ દ્વારા.