BJPના વિસાવદરના નેતાની જીભ લપસી

24 April, 2024 07:18 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યા: કૉન્ગ્રેસે વિરોધ નોંધાવીને માફીની માગણી કરી

રાહુલ ગાંધી, ભૂપત ભાયાણી

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (‍BJP)ના એક નેતાનું અણછાજતું નિવેદન ચર્ચાસ્પદ બન્યું છે. BJPના નેતા ભૂપત ભાયાણીએ ભાન ભૂલીને એક સભામાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીને નપુંસક ગણાવતાં વિવાદ સર્જાયો છે અને કૉન્ગ્રેસે એની સામે વિરોધ નોંધાવ્યો છે.

સૌરાષ્ટ્રના વિસાવદરમાં BJPના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી સભામાં ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે ‘મિત્રો, આપ સૌ સમજી શકો છો કે રાહુલ ગાંધી જેવી નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, સમજી શકીએને બધા, હેં. તો આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીએ છે અને બીજી કુંડીએ આપણો સિંહ છે.’

ભૂપત ભાયાણીના વિવાદાસ્પદ નિવેદન સામે પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ. મનીષ દોશીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરી BJPમાં જોડાનારા ભૂપત ભાયાણીએ કૉન્ગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પર કરેલી આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત છે. ભૂપત ભાયાણી સૌરાષ્ટ્રની જનતાને જવાબ આપે કે વિસાવદરની જનતાના મતથી ચૂંટાયા પછી વિશ્વાસઘાત કરીને BJPમાં જોડાવા માટે કઈ મજબૂરી હતી? કયા જૂના કેસ હતા કે જેના કારણે દબાણથી પક્ષપલટો કરવો પડ્યો? રાહુલ ગાંધી વિશે ભૂપત ભાયાણીએ કરેલા વાણીવિલાસ વિશે તેઓ જાહેરમાં માફી માગે’.

gujarat news bharatiya janata party congress rahul gandhi saurashtra