કચ્છ સરહદ પાસેથી ૧૫ પાકિસ્તાની માછીમારો પકડાયા

25 August, 2025 11:40 AM IST  |  Kutch | Gujarati Mid-day Correspondent

આ સંદર્ભમાં BSFએ ગઈ કાલે એક રિલીઝમાં જણાવ્યું હતું કે કચ્છ ક્ષેત્રમાં કોરી ક્રીક ખાતે સરહદી ચોકીના વિસ્તારમાં એક અજાણી બોટ મળી આવી હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક BSFએ ૧૫ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી.

ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક બૉર્ડર પોલીસ ફોર્સ (BSF)એ ૧૫ પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી અને એક એન્જિન-ફિટેડ દેશી બોટ પણ જપ્ત કરી હતી.

આ સંદર્ભમાં BSFએ ગઈ કાલે એક રિલીઝમાં જણાવ્યું હતું કે કચ્છ ક્ષેત્રમાં કોરી ક્રીક ખાતે સરહદી ચોકીના વિસ્તારમાં એક અજાણી બોટ મળી આવી હોવાની ચોક્કસ માહિતી મળી હતી. એના આધારે BSFએ શનિવારે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. શોધ દરમ્યાન ૧૫ પાકિસ્તાની માછીમારોને એક એન્જિન-ફિટેડ દેશી બોટ સાથે પકડી લેવામાં આવ્યા હતા.

આ બધા માછીમારો પાકિસ્તાની નાગરિકો છે અને પાડોશી દેશના સિંધી પ્રાંતના સુજાવલ જિલ્લાના રહેવાસી છે. તેઓ BSFની ૬૮મી બટાલિયનની સરહદ ચોકીના વિસ્તારમાંથી મળી આવ્યા હતા. બોટમાં લગભગ ૬૦ કિલો માછલી, નવ માછીમારીની જાળ, ડીઝલ, બરફ અને ખાદ્ય પદાર્થો હતાં. તેમની પાસેથી એક મોબાઇલ ફોન અને પાકિસ્તાની ચલણમાં ૨૦૦ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

kutch Border Security Force gujarat pakistan gujarat news news