દમણગંગા નદી પર બુલેટ ટ્રેન માટેનો બ્રિજ તૈયાર, વલસાડના પાંચ બ્રિજનું કામ પૂરું

09 July, 2025 08:11 AM IST  |  Valsad | Gujarati Mid-day Correspondent

વલસાડ જિલ્લામાં બનનારા પાંચેય બ્રિજનું કામ પણ પૂરું થયું છે. મુંબઈથી અમદાવાદના બુલેટ ટ્રેન કૉરિડોર પર કુલ પચીસ બ્રિજ બનાવવાની યોજના છે.

વલસાડની દમણગંગા નદી પરના બ્રિજનું કામ પૂરું

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે વલસાડની દમણગંગા નદી પરના બ્રિજનું કામ પૂરું થયાની જાહેરાત નૅશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડે મંગળવારે કરી હતી.

ગુજરાતમાં કુલ પ્રસ્તાવિત ૨૧ બ્રિજમાંથી ૧૬ બ્રિજ બનીને તૈયાર થઈ ગયા છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં બનનારા પાંચેય બ્રિજનું કામ પણ પૂરું થયું છે. મુંબઈથી અમદાવાદના બુલેટ ટ્રેન કૉરિડોર પર કુલ પચીસ બ્રિજ બનાવવાની યોજના છે.

બુલેટ ટ્રેન વલસાડ જિલ્લાના ૫૬ કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થશે જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ૪.૩ કિલોમીટરના માર્ગનો પણ સમાવેશ થાય છે. વલસાડમાં ઝરોલીથી વાઘલદરા ગામ સુધી આ કૉરિડોર ફેલાયેલો છે. આ વિભાગમાં વાપી બુલેટ ટ્રેન સ્ટેશન, ૩૫૦ મીટર લાંબી ટનલ, નદી પરના પાંચ બ્રિજ અને એક પ્રીસ્ટ્રેસ્ડ કૉન્ક્રીટ  (PSC) બ્રિજનો સમાવેશ થાય છે. હાલમાં બનેલો દમણગંગા નદી પરનો બ્રિજ ૩૬૦ મીટર લાંબો છે જેમાં ૯ ફુલ-સ્પૅન ગર્ડર બેસાડવામાં આવ્યા છે. આ બ્રિજ બુલેટ ટ્રેનના બોઇસર અને વાપી સ્ટેશનની વચ્ચે બનાવાયો છે. આ ઉપરાંત વલસાડ વિભાગમાં દરોથા (૮૦ મીટર), ઔરંગા (૩૨૦ મીટર), પાર (૩૨૦ મીટર) અને કોલક બ્રિજ (૧૬૦ મીટર)નું કામ પણ પૂરું થયું છે.

valsad mumbai ahmedabad bullet train news gujarat gujarat news