અમદાવાદમાં ઍરપોર્ટ સર્કલ પર પડતર માગણીઓના મુદ્દે ભૂતપૂર્વ સૈનિકોએ કર્યું વિરોધ-પ્રદર્શન

20 August, 2025 08:40 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

રૅલી યોજાય એ પહેલાં ગાંધીનગરમાં પોલીસે તેમની અટકાયત કરી એટલે રોષ ફેલાયો

અમદાવાદમાં ઍરપોર્ટ સર્કલ પાસે ભૂતપૂર્વ સૈનિકોએ દેખાવો કર્યા હતા. તસવીર : જનક પટેલ.

પડતર માગણીઓના મુદ્દે આંદોલન કરી રહેલા ભૂતપૂર્વ સૈનિકો ગઈ કાલે ગાંધીનગરમાં રૅલી યોજવાના હતા એ પહેલાં પોલીસે તેમની અટકાયત કરી હતી. બીજી તરફ અમદાવાદમાં ઍરપોર્ટ સર્કલ પર ભૂતપૂર્વ સૈનિકોએ વિરોધ-પ્રદર્શન કરતાં ટ્રાફિક જૅમ થયો હતો. જોકે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો.

કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ સૈનિકોની અનામત માટેના નિયમોનું પાલન કરવા, લઘુતમ લાયકી ધોરણો નાબૂદ કરવા અને ભૂતપૂર્વ સૈનિકોની જગ્યા ભૂતપૂર્વ સૈનિકોથી ભરવા સહિતની માગણીઓ સાથે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા વીસેક દિવસથી ભૂતપૂર્વ સૈનિકો ધરણાં કરી રહ્યા છે. ગઈ કાલે ગાંધીનગરમાં રૅલી યોજવાના હતા એ પહેલાં પોલીસે ભૂતપૂર્વ સૈનિકોની અટકાયત કરતાં મામલો ગરમાયો હતો. બીજી તરફ અમદાવાદમાં પણ ભૂતપૂર્વ સૈનિકોએ ઍરપોર્ટ સર્કલ પાસે રસ્તા પર બેસીને વિરોધ-પ્રદર્શન કરતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ભૂતપૂર્વ સૈનિકોએ વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઍરપોર્ટ સર્કલ પર દોડી આવ્યા હતા. ભૂતપૂર્વ સૈનિકોની અટકાયત કરવામાં આવતાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

પોલીસ ભરતીમાં ૧૦ ટકા રિઝર્વેશનનો નિયમ ગુજરાત સરકાર કેમ નથી પાળતી?

ભૂતપૂર્વ સૈનિક દશરથ દેસાઈએ ‘મિડ-ડે’ સમક્ષ દાવો અને આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ સૈનિકોની મુખ્ય માગણી એ છે કે પોલીસમાં ભરતી ચાલે છે એમાં ભૂતપૂર્વ સૈનિકો માટે ૧૦ ટકા રિઝર્વેશન છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા એનો અમલ નથી કરવામાં આવતો. આ સિવાય પણ બીજી માગણીઓ છે એને લઈને ગાંધીનગરમાં તેઓ વીસેક દિવસથી ધરણાં કરી રહ્યા છે.’

ahmedabad gujarat news news gujarat indian army gandhinagar