26 June, 2025 09:55 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ભૂપેન્દ્ર પટેલે બેલ વગાડીને ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ૨૫ કરોડ રૂપિયાનાં મ્યુનિસિપલ બૉન્ડનું NSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેલ વગાડીને ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં ૨૫ કરોડ રૂપિયાનનાં મ્યુનિસિપલ બૉન્ડનું નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE)માં ગિફ્ટ (ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક-GIFT) સિટી ખાતેથી લિસ્ટિંગ કરાવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ બૉન્ડ ઇશ્યુ લાવનારી ગુજરાતની પાંચમી મહાનગરપાલિકા બની છે. આ પહેલાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ બૉન્ડ બહાર પાડ્યાં હતાં. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર શ્રીરામકૃષ્ણને કહ્યું હતું કે ‘દેશમાં અત્યાર સુધીમાં ૧૭ મહાનગરપાલિકાઓએ ૩૩૫૯ કરોડ રૂપિયાનાં બૉન્ડ ઇશ્યુ કર્યાં છે. એમાંથી ૯૨૫ કરોડ રૂપિયાનાં બૉન્ડ ઇશ્યુ કરીને ગુજરાત ૨૭ ટકાના ફાળા સાથે મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે.’