બે બહેનોએ દરદીઓની સારવાર બદલ મળેલો પગાર દાન કર્યો

03 June, 2021 01:43 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

કોરોનાની મહામારીમાં સુરતની બે બહેનોએ આવકારદાયક, અનુકરણીય સદકાર્ય કરતાં કોરોના દરદીઓની સારવાર બદલ તેમને મળેલો માનદ પગાર શહીદ જવાનોના પરિવાર માટે આપી દીધો છે એટલું જ નહીં...

આઇસોલેશન સેન્ટરમાં સાજા થઈને ઘરે પાછા જઈ રહેલા દરદીને વિદાય આપતી વખતે મિતલ, તેની બહેન દક્ષિતા અને તેમના પિતા ભાવેશ બવાડિયા.

કોરોનાની મહામારીમાં સુરતની બે બહેનોએ આવકારદાયક, અનુકરણીય સદકાર્ય કરતાં કોરોના દરદીઓની સારવાર બદલ તેમને મળેલો માનદ પગાર શહીદ જવાનોના પરિવાર માટે આપી દીધો છે એટલું જ નહીં, પગારના જે પૈસા કવરમાં મળ્યા એ કવર ખોલ્યા વગર સુરતની જય જવાન નાગરિક સમિતિ સંસ્થાને આપવા ગયાં હતાં જ્યાં કવરમાંથી ૪૯ હજાર રૂપિયા નીકળતાં તેમના પિતાએ એમાં બે હજાર રૂપિયા ઉમેરી ૫૧ હજાર રૂપિયા શહીદ જવાનોના પરિવાર માટે દાનમાં આપ્યાં હતા. સુરતના પુણા ગામે સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં કોરોનાના દરદીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. બીડીએસના અભ્યાસ સાથે ડેન્ટલમાં ઇન્ટર્નશિપ કરી રહેલી સુરતની મિતલ બવાડિયા અને હોમિયોપૅથીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહેલી તેની બહેન દક્ષિતા આ સેન્ટરમાં કોરોનાના દરદીઓની સારવાર સેવા કરી રહ્યાં હતાં. તેમના પિતા ભાવેશ બવાડિયા આ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવતા હતા.

મિતલ બવાડિયાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાની બીજી લહેરમાં સુરતમાં કોરોનાના બહુ જ કેસો આવતા હતા ત્યારે અમે સેન્ટરમાં દરદીઓની સારવાર સેવા કરવા ડ્યુટી જૉઇન કરી હતી. દરદીઓ વધારે હોવાથી ઘણી વખત ૧૮ કલાક પણ કામ કરતા હતા.જો કે પહેલાથી જ અમે બહેનોએ નક્કી કરી રાખ્યું હતું કે દરદીઓની સેવા જ કરવાની છે એટલે સૅલેરી મળે તો લેવી નહીં અને એને સદુપયોગ માટે આપી દેવી.’

gujarat shailesh nayak surat coronavirus covid19 ahmedabad