રાહુલ ગાંધીના આહ્વાન બાદ ગુજરાતમાં BJP તરફી નેતાઓનો કૉન્ગ્રેસમાંથી સફાયો થશે : શક્તિસિંહ ગોહિલ

17 March, 2025 10:51 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પર BJP સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો, જરૂર પડ્યે આવા ૨૦થી ૩૦ નેતાઓને પક્ષમાંથી હટાવવા માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું.

રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ગુજરાતની મુલાકાત વખતે કૉન્ગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) તરફી નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવાનું આહ્વાન કર્યું હતું એ મુદ્દે ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આવા નેતાઓનો કૉન્ગ્રેસમાંથી સફાયો કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના કેટલાક નેતાઓ પર BJP સાથે સાઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો, જરૂર પડ્યે આવા ૨૦થી ૩૦ નેતાઓને પક્ષમાંથી હટાવવા માટે પણ તેમણે આહ્વાન કર્યું હતું. જોકે આ આહ્વાન બાદ હવે કૉન્ગ્રેસમાં સોપો પડી ગયો છે, કારણ કે બધાની નજર ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સંસદસભ્ય શક્તિસિંહ ગોહિલ પર છે.

એક મુલાકાતમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પોતાના મનની વાત કરે છે. તેઓ પક્ષના તમામ સ્તરના કાર્યકરોને મળ્યા ત્યારે મેં કાર્યકરોને તેમના મનની વાત કરવા જણાવ્યું હતું. એમાં કાર્યકરોએ આ મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે કેટલાક નેતાઓ BJP સાથે મિત્રતા કરી રહ્યા છે. તેમણે BJPની દાદાગીરી વિશે વાત કરી. કાર્યકરોએ કહ્યું કે કૉન્ગ્રેસના શાસનમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સસ્તી અને શ્રેષ્ઠ માનવામાં આવતી હતી અને હવે આપણે કૉન્ગ્રેસી સરકારોમાં ગાંધીવાદી મૉડલ ફરી સ્થાપિત કરવાની જરૂર છે. કયા નેતાના મનમાં શું ચાલી રહ્યું છે એ જોવા કોઈ એક્સ-રે નથી, રાહુલ ગાંધીએ આહ્વાન કર્યું છે એથી હવે બારીકાઈથી નજર રાખવી પડશે. જૂથવાદને પણ ખતમ કરવામાં આવશે. જે કાર્યકર સામે લાગશે કે તે BJPનો સમર્થક છે તો તેને હટાવવામાં આવશે, ભલે એ નાનો કાર્યકર હોય કે મોટો નેતા, તમામ માટે એકસરખી કાર્યવાહી થશે.

rahul gandhi gujarat congress Gujarat Congress bharatiya janata party Lok Sabha political news gujarat politics news gujarat news