10 May, 2025 10:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અંબાજી, દ્વારકા, શામળાજી, સોમનાથ
ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ભારત-પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી તનાવભરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના અંબાજી, દ્વારકા, શામળાજી, કોટેશ્વર અને સોમનાથ સહિતનાં યાત્રાધામોની સુરક્ષાને લઈને સઘન બંદોબસ્ત ગોઠવાયો છે.
ગુજરાતનાં ધાર્મિક સ્થળોએ ગઈ કાલે બૉમ્બ સ્ક્વૉડ સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એક-એક યાત્રીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ બાદ જ યાત્રાળુઓને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. દરિયાકિનારે આવેલા દ્વારકા મંદિરમાં બૉમ્બ સ્ક્વૉડ તહેનાત કરવામાં આવી છે. સોમનાથ મંદિર નજીકના દરિયાકિનારે બોટ દ્વારા પૅટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તેમ જ ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ કચ્છની સીમા પર આવેલા વિશ્વવિખ્યાત કોટેશ્વર મહાદેવ મંદિર સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવ્યું હતું. ભારતની કચ્છ તરફની સરહદ પર સૌથી છેલ્લે પાકિસ્તાન અને ભારત વચ્ચેના દરિયાકિનારે કોટેશ્વર મહાદેવ આવેલું છે. જેને કારણે સુરક્ષાના કારણસર આ કોટેશ્વર તરફ જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને ત્યાં પોલીસ-બંદોબસ્ત ગોઠવીને યાત્રાળુઓને દર્શન કરવા જવા દેવાતા નથી.