29 October, 2024 08:01 AM IST | Amreli | Gujarati Mid-day Correspondent
ભારત માતા સરોવરના ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદી સાથે સવજી ધોળકિયા
દિવાળીની શરૂઆત સાથે સૌરાષ્ટ્રમાં લાઠી ખાતે નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરના લોકાર્પણ સહિત ૪૮૦૦ કરોડ રૂપિયાના વિવિધ પ્રોજ્ક્ટ્સનાં શિલાન્યાસ અને લોકાર્પણ કરીને કહ્યું હતું કે ‘સામે ધનતેરસ અને દિવાળી દરવાજે ટકોરા મારી રહી છે. આ સમય મંગલ કાર્યોનો છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજુ વિકાસનો ઉત્સવ; આ જ ભારતની નવી તાસીર છે. વિરાસત અને વિકાસ સહિયારાં ચાલી રહ્યાં છે.’
અમરેલી જિલ્લાના લાઠી નજીક દૂધાળા ગામે ગાગડિયો નદી પર બનેલા ભારત માતા સરોવરનું નિર્માણ કરીને સરકારના જનભાગીદારી અભિગમની સાથે રહીને જળસંચય માટે કાર્યો કરનાર ધોળકિયા ફાઉન્ડેશનની નરેન્દ્ર મોદીએ નોંધ લીધી હતી અને કહ્યું હતું કે ‘ગુજરાતે ભૂતકાળમાં પાણી માટે સંઘર્ષ કર્યો છે, પણ આજે નર્મદા માતા ગુજરાતની પરિક્રમા કરીને ગુજરાતને સમૃદ્ધ કરી રહી છે. પાણી, રોડ, રેલવેના અનેક પ્રોજેક્ટનાં શિલાન્યાસ અને લોકાર્પણ થયાં. આ બધા પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર-કચ્છના જીવનને આસાન બનાવનારા પ્રોજેક્ટ છે.’
નરેન્દ્ર મોદીએ ભોજા ભગત, દુલાભાયા કાગ, કવિ કલાપી, યોગીજી મહારાજ, કે. લાલ, રમેશ પારેખ સહિતના મહાનુભાવોને યાદ કર્યા હતા.