ગુજરાતની શાળાના 25 બાળકોના હાથ પર બ્લેડના નિશાન, તપાસમાં ચોંકાવનારો ખુલાસો

27 March, 2025 11:04 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarat School students cut their hands with blade: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી. મુંજિયાસર પ્રાથમિક શાળામાં પાંચથી આઠમી ધોરણના 25થી વધુ બાળકોના હાથ પર બ્લેડના નિશાન જોવા મળ્યા છે.

સ્કૂલના બાળકોના હાથ પર બ્લેડના નિશાન (સૌજન્ય: સોશિયલ મીડિયા)

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા અમરેલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના ઘટી. મુંજિયાસર પ્રાથમિક શાળામાં પાંચથી આઠમી ધોરણના 25થી વધુ બાળકોના હાથ પર બ્લેડના નિશાન જોવા મળ્યા છે. આ ઘટના સામે આવતા શાળા પ્રશાસન અને સરકાર સતર્ક થઈ ગઈ છે. રાજ્ય સરકારે તાત્કાલિક આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. શરુઆતી તપાસમાં બહાર આવ્યું છે કે આ બાળકો કોઈ ઑનલાઇન ગેમની અસર હેઠળ નહીં, પરંતુ પોતે જ `ટ્રુથ એન્ડ ડૅર` (Truth and Dare) નામના ગેમમાં સામેલ હતા, જેમાં એકબીજાને ચેલેન્જ આપી હાથ પર બ્લેડથી કટ લગાવવાનું કહેતા હતા.

કેવી રીતે થયો આ રહસ્યનો ખુલાસો?
આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે કેટલાક વાલીઓએ પોતાના બાળકોના હાથ પર બ્લેડના નિશાન જોયા. તેમણે આ બાબતની જાણ શાળાને કરી. શાળાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે શાળાના અનેક વિદ્યાર્થીઓના હાથ પર એક સરખા નિશાન છે. વાલીઓ અને શાળા પ્રશાસન દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવી. ત્યારબાદ, પોલીસને પણ ઘટનાની જાણ કરવામાં આવી. આ કેસની ગંભીરતા જોતા ધારીના સહાયક પોલીસ અધિક્ષક (ASP) જયવીર ગઢવી દ્વારા શાળાનું નિરીક્ષણ કરાયું. સાથે જ, શાળાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ સાથે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે વાતચીત કરવામાં આવી. તપાસમાં બહાર આવ્યું કે આ ઘટના કોઈ ઑનલાઇન ગેમની લતથી નહીં, પરંતુ બાળકોની વચ્ચે રમાતા `ટ્રુથ એન્ડ ડૅર` (Truth and Dare) ગેમના કારણે બની છે.

રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની પ્રતિક્રિયા
આ ઘટનાની જાણ થતા જ રાજ્યના પ્રાથમિક શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું કે આ ઘટના અત્યંત ગંભીર છે અને આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આવી જ પ્રવૃત્તિ અન્ય શાળાઓમાં તો નથી ચાલી રહી? શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ બાબતની સમીક્ષા કરવા માટે શાળાના શિક્ષકો અને વાલીઓ સાથે ચર્ચા કરી છે.

વિડિયો-ગેમની કેવી ખતરનાક અસર બાળકોના કુમળા માનસ પર પડે છે એનો હૃદયદ્રાવક અને સમાજ માટે આંખ ઉઘાડનારો કિસ્સો સૌરાષ્ટ્રમાં બન્યો છે. અમરેલી જિલ્લામાં આવેલા મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં હાથે એક કાપો મારવાના ૧૦ રૂપિયાની ચૅલેન્જની લાલચમાં વિદ્યાર્થીઓએ એવું કૃત્ય કર્યું કે હોબાળો મચી ગયો હતો. અંદાજે પચીસ જેટલા વિદ્યાર્થીઓએ તેમની જાતે જ હાથ પર પેન્સિલના શાર્પનરની બ્લેડથી કાપા માર્યા હતા જેની જાણ વાલીઓને થતાં વિવાદ સર્જાયો છે. એક અઠવાડિયા પહેલાંની આ ઘટનાની જાણ થતાં પોલીસ અને શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યાં અને તપાસ હાથ ધરી છે.

મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કહેવાય છે કે આ શાળામાં અભ્યાસ કરતા અને વિડિયો-ગેમની અસર હેઠળ આવી ગયેલા એક વિદ્યાર્થીના કહેવાથી તેની સાથે અભ્યાસ કરતા બીજા વિદ્યાર્થીઓએ પેન્સિલના શાર્પનરની બ્લેડથી પોતાના હાથ પર કાપા માર્યા હતા. આ વાતની જાણ એક વાલીને થતાં તેમણે સ્કૂલમાં ફરિયાદ કરતાં આખો મામલો બહાર આવ્યો હતો. આ ગંભીર ઘટના બાબતે શાળાએ વાલીઓ સાથે બેઠક પણ કરી હતી.

શાળાનાં આચાર્યા હર્ષા મકવાણાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ ઘટના વિશે મેં જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું ત્યારે તેમણે એક જ જવાબ આપ્યો હતો કે અમે આવી ગેમ એકબીજા સાથે રમીએ છીએ કે એક કાપો કરે તો ૧૦ રૂપિયા આપવા અને ન થાય તો પાંચ રૂપિયા તારે મને પાછા આપવાના એવી તેમની અંદર-અંદર ગેમ હતી.’

આ શાળામાં ધોરણ ૫, ૬ અને ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને ખતરનાક ગેમ રમતા હોવાની જાણ થતાં વાલીઓના જીવ ઊંચા થઈ ગયા હતા. મીડિયા સમક્ષ વાલીઓ એવો આક્ષેપ કરતા હતા કે સ્કૂલમાં બાળકો હોય તો તેમની જવાબદારી શિક્ષકોની છે, પરંતુ તેઓ બધા પોતાની ફરજથી ભાગી રહ્યા છે.

gujarati medium school gujarat government Gujarat Crime somnath temple gujarat news news