ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

01 July, 2025 08:32 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય તેમ જ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી : ગઈ કાલે સૌરાષ્ટ્ર અને કચ્છ પર થઈ મેઘમહેર

નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડૅમમાંથી થોડા દિવસો પહેલાં પાણી છોડવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય તેમ જ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જોકે ગઈ કાલે સૌરાષ્ટ્ર-કચ્છ પર મેઘમહેર થઈ હતી.

આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે; જ્યારે આવતી કાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને કચ્છ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ગુજરાતનાં અન્ય કેટલાંક સ્થળોએ વરસાદ પડશે.

૧૫૧ તાલુકામાં વરસાદ

ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૫૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર ઓછા-વત્તા વરસાદ સાથે મેઘરાજાએ મહેર કરી હતી.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૩.૧૯ ઇંચ, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં ૩.૦૩ ઇંચ, જૂનાગઢ અને માણાવદરમાં ૨.૬૪ ઇંચ વરસાદ પડ્યો હતો. ૨૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો.

જૂનાગઢના ગિરનાર પર મેઘરાજાએ હેત વરસાવતાં પર્વતનાં પગથિયાં પરથી ધમસમતો પાણીનો પ્રવાહ નીચે વહ્યો હતો જેના પગલે દામોદર કુંડમાં નવા નીર આવ્યાં હતાં.

ગઈ કાલે કચ્છના મુંદ્રામાં ૧.૯૭ ઇંચ, માંડવીમાં ૧.૪૨ ઇંચ અને ભુજમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવી તાલુકાના ગઢશીશામાં ધોધમાર વરસાદથી શેરીઓમાં જાણે નદી વહેતી થઈ હતી, જ્યારે ભુજના સામત્રા વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે ભુજ-નખત્રાણા હાઇવે પર વરસાદનાં પાણી ભરાઈ ગયાં હતાં.

સૌરાષ્ટ્રના જેતપુર, જોડિયા, જામનગર, દ્વારકા, લોધિકા, ગોંડલ, વંથલી, ભેંસાણ, ધોરાજી, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા, ભાણવડ, લાલપુર, કુતિયાણા, જામકંડોરણા સહિતના વિસ્તારો ઉપરાંત ગુજરાતના ડેસર, સાવલી, ધાનેરા, ગળતેશ્વર, ઉમરપાડા, કપરાડા સહિતના તાલુકાઓમાં પણ ઓછા-વત્તા પ્રમાણમાં વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં ૩૨.૭૩ ટકા વરસાદ પડી ગયો

સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા વરસાદ પડ્યો : ૧૩ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ગયા, ૧૯ ડૅમ હાઈ અલર્ટ પર અને ૧૩ ડૅમ અલર્ટ મોડમાં 

આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને અત્યાર સુધીમાં સરેરાશ ૩૨.૭૩ ટકા વરસાદ પડી ગયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૩૫.૭૫ ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં ૨૪.૭૭ ટકા વરસાદ પડ્યો છે. ૧૩ ડૅમ ૧૦૦ ટકા ભરાઈ ગયા, ૧૯ ડૅમ હાઈ અલર્ટ પર અને ૧૩ ડૅમ અલર્ટ મોડ પર છે.

ગુજરાતના પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૪.૬૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૩૨.૭૯ ટકા અને કચ્છમાં ૨૯.૪૫ ટકા વરસાદ પડ્યો છે.

ગુજરાતના ૩ તાલુકાઓમાં ૫૦ મિલીમીટર, ૩૭ તાલુકાઓમાં ૫૧થી ૧૨૫ મિલીમીટર, ૯૦ તાલુકાઓમાં ૧૨૬થી ૨૫૦ મિલીમીટર, ૮૯ તાલુકાઓમાં ૨૫૧થી ૫૦૦ મિલીમીટર, ૩૧ તાલુકાઓમાં ૫૦૧થી ૧૦૦૦ મિલીમીટર અને એક તાલુકામાં ૧૦૦૦થી વધુ મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાતમાં ૧૩ ડૅમ ૧૦૦ ટકા ભરાયેલા છે, જ્યારે ૩૩ ડૅમ ૭૦થી ૧૦૦ ટકા ભરાયા છે. ૩૬ ડૅમમાં ૫૦થી ૭૦ ટકા પાણીથી ભરાયાં છે. પચીસથી ૫૦ ટકા વચ્ચે ૫૮ ડૅમ ભરાયેલા છે, જ્યારે ૬૬ ડૅમમાં પચીસ ટકાથી ઓછું પાણી છે. સરદાર સરોવર ડૅમમાં ૪૮.૯૧ ટકા પાણીનો સંગ્રહ છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા ભારે વરસાદને કારણે ભાવનગર, પંચમહાલ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, નર્મદા, નવસારી અને તાપી જિલ્લામાંથી ૩૭૦૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

સુરત, ભાવનગર, અમરેલી, બોટાદ, ગાંધીનગર, ગીર સોમનાથ, દાહોદ, સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં પડેલા વરસાદને કારણે અત્યાર સુધીમાં ૬૭૬ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

gujarat surat saurashtra Gujarat Rains monsoon news Weather Update news gujarat news kutch