11 May, 2026 07:04 AM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સોમનાથ મંદિર પર હવાઈ કરતબોનું રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ સાથે સૈન્યશક્તિનો સંગમ સર્જાયો હતો.
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના પુનર્નિર્માણને ૭૫ વર્ષ પૂરાં થયાં છે એ નિમિત્તે આજે ૧૧ મેએ યોજાનારા અમૃતપર્વની ઉજવણીમાં સોમનાથના ઇતિહાસમાં પહેલી વાર સોમનાથ મંદિર પર ૧૧ તીર્થનાં જળથી કુંભાભિષેક કરવામાં આવશે એટલું જ નહીં, ભારતીય વાયુસેના દ્વારા પહેલી વાર સોમનાથમાં ફાઇટર જેટ દ્વારા દિલધડક સૂર્યકિરણ ઍર-શો યોજાશે.
પ્રથમ જ્યોતિર્લિંગ અને પુનઃ નિર્મિત સોમનાથ મહાદેવ મંદિરનાં ૭૫ વર્ષ પૂરાં થવા નિમિત્તે યોજાઈ રહેલા સોમનાથ અમૃતપર્વના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે સોમનાથ મંદિરમાં મહાદેવની પૂજા કરશે. એ દરમ્યાન મંદિરની બહાર વિશાળ ક્રેનની મદદથી ૯૦ મીટર ઊંચે મંદિરના શિખર પર કુંભ લઈ જવાશે અને શિખર પર અભિષેક કરવામાં આવશે.
તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલી વાર શિખર પર કુંભાભિષેક કરવામાં આવશે જેમાં હીરણ, કપિલા અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનાં જળ સહિત ૧૧ તીર્થોનાં જળને ૮ ફુટના વિશાળ કુંભમાં ભરવામાં આવશે. એ કુંભને ક્રેનમાં મુકાશે. ક્રેનમાં બે બ્રાહ્મણો બેસશે અને કુંભની સાથે શિખર પર જશે. શિખર પર મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે. સામાન્ય રીતે દેશનાં દક્ષિણનાં રાજ્યોમાં આ પરંપરા જોવા મળે છે જ્યાં મોટા ભાગે ૧૦-૧૨ વર્ષે મંદિરના શિખર પર અભિષેક કરીને શુદ્ધીકરણ કરવામાં આવે છે, પરંતુ સોમનાથમાં આવું પ્રથમ વાર થઈ રહ્યું છે.’
સોમનાથ અમૃતપર્વમાં પહેલી વાર યોજાનારા ઍર-શોમાં ફાઇટર જેટ દ્વારા સોમનાથના આકાશમાં ટ્રાઇકલર સ્મોક ટ્રેઇલ, કલર સ્મોક, લૂપ્સ ઍન્ડ રોલ્સ, ક્લોઝ ફૉર્મેશન, ડાયમન્ડ ફૉર્મેશન સહિતનાં હવાઈ કરતબ દ્વારા રોમાંચક ફૉર્મેશન રચવામાં આવશે.
ભારતીય વાયુસેનાના વિન્ગ કમાન્ડર જનમીત શર્માએ કહ્યું હતું કે ‘ઍરફોર્સની સૂર્યકિરણ ઍરોબિક્સ ટીમ વડા પ્રધાનની ઉપસ્થિતિમાં સવારે ૧૧ વાગ્યાથી સૂર્યકિરણ ઍર-શોનું આયોજન કરશે. ઍરફોર્સનાં ૬ ફાઇટર જેટ દ્વારા આ કવાયત કરવામાં આવશે. ઍર-શો દરમ્યાન ૮૦૦થી ૯૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફાઇટર જેટ ઉડાન ભરશે. આ ફાઇટર જેટ જામનગર સ્ટેશનથી ઑપરેટ થશે.’