26 September, 2025 10:31 AM IST | Somnath | Gujarati Mid-day Correspondent
સોમનાથ મહાદેવ.
ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે એ પાવનધરા સોમનાથથી આસ્થા, આત્મનિર્ભરતા અને સ્ત્રીસશક્તીકરણનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે. સોમનાથ મહાદેવમાં અર્પણ થતાં પીતાંબર હવે ગ્રામીણ મહિલાઓના સ્વાવલંબનનું માધ્યમ બનવા જઈ રહ્યાં છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ અનોખી પહેલ કરીને પવિત્ર વસ્ત્ર પીતાંબરમાંથી કલાત્મક અને આકર્ષક કુરતા બનાવડાવી રહ્યું છે જે દેશ-વિદેશના બજાર સુધી પહોંચશે.
નરેન્દ્ર મોદીની લખપતિદીદીની સંકલ્પનાને શ્રી સોમનાથ ટ્રસ્ટે અનુસરીને સોમનાથ આસપાસનાં ગામડાંઓની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સોમનાથ મહાદેવને અર્પણ થતાં પીતાંબરોમાંથી કુરતા બનાવવાનું કામ સોંપ્યું છે. આ કુરતા પવિત્ર પીતાંબરમાંથી બની રહ્યા છે. એમાં ડિઝાઇનર-કૉલર, ડમરુ, ત્રિશૂલ, શિખર સહિતનાં શિવતત્ત્વો સાથે જોડાયેલી વિશેષ બૅકપ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા કુરતા ફૅશન-ટ્રેન્ડને પૂરો કરે છે. સોમનાથ ટ્રસ્ટ મહિલાઓને તાલીમ આપીને કુરતા બનાવડાવી રહ્યું છે. આ કુરતા સ્થાનિક બજાર ઉપરાંત ટ્રસ્ટની વેબસાઇટ દ્વારા વિતરણ-વ્યવસ્થા ગોઠવીને મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર સહિતનાં શહેરો અને વિદેશમાં પણ પહોંચાડવામાં આવશે.