16 September, 2026 01:24 PM IST | Mandvi | Gujarati Mid-day Correspondent
માંડવી
સાંજે ૬ વાગ્યા સુધીમાં માંડવીમાં ૧૭૭ મિલીમીટર વરસાદ પડતાં માંડવી થયું પાણી-પાણી : કચ્છમાં સચરાચર વરસાદથી ભુજના હમીરસર તળાવમાં તેમ જ જિલ્લાનાં કેટલાંય નદી-નાળાંમાં આવ્યાં નવાં નીર: ખેડૂતો અને માલધારીઓમાં રાહત થવા સાથે ખુશીનો માહોલ છવાયો : ખેતીને જીવતદાન મળવાની આશા
કચ્છને હાથતાળી આપીને છટકી ગયેલા મેઘરાજાએ આખરે કચ્છ પર હેત વરસાવ્યું હતું. ગઈ કાલે કચ્છમાં મેઘમહેર થતાં જાણે કે આકાશમાંથી કાચું સોનું વરસી રહ્યું હોય અેવી રીતે વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવીમાં ૧૭૭ મિલીમીટર વરસાદ પડતાં શહેર આખું પાણી-પાણી થઈ ગયું હતું. વરસાદના પગલે કચ્છમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને ખેડૂતો અને માલધારીઓમાં રાહત થવા સાથે ખુશી ફેલાઈ છે અને ખેતીને જીવતદાન મળવાની આશા બંધાઈ છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૯૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ ૧૭૭ મિલીમીટર કચ્છના માંડવી તાલુકામાં પડ્યો. માંડવીમાં સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં ૧૫૮ મિલીમીટર વરસાદ પડ્યો હતો જેના કારણે શહેર આખું જળબંબાકાર થયું હતું. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. માંડવી ઉપરાંત કચ્છના અબડાસામાં ૫૪ મિલીમીટર, મુંદ્રામાં ૪૦, નખત્રાણામાં ૩૩, ભુજમાં ૩૨, લખપતમાં ૨૩, ગાંધીધામમાં ૧૬ અને અંજારમાં ૧૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.
કચ્છમાં પડેલા સચરાચર વરસાદના કારણે ભુજના હમીરસર તળાવમાં નવાં નીર આવ્યાં છે તો જિલ્લામાં આવેલી નાની-મોટી નદીઓ તેમ જ નાળાંઓમાં પણ પાણીની આવક થઈ હતી. મુંદ્રા પંથકમાં આવેલો કારાઘોઘા ડૅમ ઓવરફ્લો થયો હતો. ડૅમ ઓવરફ્લો થતાં હેઠવાસનાં ગામોને અલર્ટ કરાયાં હતાં. કચ્છમાં લાંબા સમય બાદ વરસાદ પડતાં સુકાતા પાકને જીવતદાન મળ્યું છે.