08 April, 2025 10:10 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
માધવપુરના મેળામાં ઊમટેલા નાગરિકો.
સૌરાષ્ટ્રના ખ્યાતિપ્રાપ્ત માધવપુરમાં શરૂ થયેલા ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના લગ્નોત્સવમાં મહાલવા અને માધવપુરના મેળાને માણવા લોકો ઊમટ્યા હતા જેને પગલે આખું માધવપુર શ્રીકૃષ્ણમય બન્યું હોય એવો નઝારો સર્જાયો હતો. માધવપુરના મેળામાં ગઈ કાલે ગુજરાત અને ઉત્તર પૂર્વીય રાજ્યોના કલાકારોએ પોતાની લોકસંસ્કૃતિને સ્ટેજ પર ધબકતી કરીને રંગ જમાવ્યો હતો. ૧૬૦૦ જેટલા કલાકારોએ એક પછી એક લોકનૃત્યો રજૂ કરીને ઉપસ્થિત સૌકોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.
રામનવમીના પર્વ પર કેન્દ્રીય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના માધવપુરમાં માધવપુરના મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.