આજે ખોડિયાર માતાના પ્રાગટ્‍યદિને રાજપરાના ઐતિહાસિક મંદિરે ઊમટશે ભક્તોની ભીડ

05 February, 2025 11:10 AM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

મંદિર સાથે જોડાયેલો છે ભાવનગરના રાજવીઓનો ઇતિહાસ અને દંતકથાઓ: નાના-મોટા ડુંગરાઓની વચ્ચે આવેલા માતાજીના મંદિર પાસે તાતળિયો ધરો આવેલો છે

રાજપરામાં ખોડિયાર માતાજીનાં દર્શન.

મંદિર સાથે જોડાયેલો છે ભાવનગરના રાજવીઓનો ઇતિહાસ અને દંતકથાઓ: નાના-મોટા ડુંગરાઓની વચ્ચે આવેલા માતાજીના મંદિર પાસે તાતળિયો ધરો આવેલો છે જ્યાં મગરની દંતકથાની સાથોસાથ સોનાના નથવાળી માછલીની પણ લોકવાયકા જોડાયેલી છે : માતાજીના મંદિરની સાથે-સાથે ટેકરી પર સાત બહેનોનું સ્થાનક આવેલું છે

ખોડિયાર માતાજીનો આજે પ્રાગટ્યદિન છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર નજીક આવેલા રાજપરા ગામે ચારે તરફ અખૂટ કુદરતી સૌંદર્યની વચ્ચે શ્રદ્ધા અને આસ્થાના મુકામ સમું ખોડિયાર માતાજીનું ઐતિહાસિક મંદિર છે. આ તીર્થસ્થાનમાં આજે લાખ્ખો શ્રદ્ધાળુઓ ખોડિયાર માતાજીના ચરણે શીશ ઝુકાવીને ધન્યતા અનુભવશે.

ભાવનગરથી રાજકોટ જવાના માર્ગ પર થોડા આગળ વધો અને મુખ્ય રસ્તાથી થોડા અંદરની તરફ જાઓ તો ચારે તરફ લીલી વનરાજી દેખાશે. એ પછી નાની-મોટી ટેકરીઓ છે અને ચોમેર નીરવ શાંતિ પથરાયેલી જણાઈ આવશે, જ્યાં મનને એક પ્રકારે શાંતિ મળશે. સતના આ સ્થાનકની સાથે અનેક લોકકથા અને દંતકથાઓ જોડાયેલી છે ત્યારે આ મંદિર અહીં કેવી રીતે બન્યું એ વિશે વાત કરતાં શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ સાથે સંકળાયેલી એક વ્યક્તિ  ‘મિડ-ડે’ને કહે છે, ‘એવી લોકવાયકા છે કે સદીઓ પહેલાં ભાવનગરના રાજવીએ મા ભગવતીને એટલે કે ખોડિયાર માતાજીને રોહીશાળામાં જઈને આગ્રહ કર્યો હતો કે મા આપ મારા રાજમાં પધારો તો અમારી પ્રજાનું કલ્યાણ થાય. મા ભગવતીએ ત્યારે કહ્યું કે હું તમારી સાથે આવું તો ખરી, પણ એક શરત છે કે તમારે પાછું વળીને જોવાનું નહીં. એટલે મહારાજા સાથે માતાજી આવવા નીકળ્યાં. એ દરમ્યાન ચાલતાં-ચાલતાં માતાજીનાં ઝાંઝરનો અવાજ બંધ થઈ જતાં મહારાજાસાહેબે પાછળ વળીને જોયું અને માતાજીની શરતનું પાલન ન થતાં માતાજી ત્યાં જ રોકાઈ ગયાં. માતાજી જ્યાં રોકાઈ ગયાં એ જગ્યા ડુંગરાળ હતી અને જંગલ હતું અને ત્યાં જ મંદિર બન્યું. આ મંદિર બન્યું એ રાજપરામાં જે મંદિર છે એ જગ્યા. આ મંદિર અંદાજે સાડાત્રણસો વર્ષ જૂનું હશે.’

ખોડિયાર માતાજીના મંદિરનો પરિસર. 

ખોડિયાર માતાજીના મંદિર પાસે ડુંગર પર ખોડિયાર માતાજી સહિત સાત બહેનોનું સ્થાનક આવેલું છે. ત્યાં જવા માટે તાતણિયા ધરા પાસેથી પસાર થઈને જવું પડે. એવું કહેવાય છે કે તાતણિયા ધરામાં મગર છે અને સોનાના નથવાળી માછલી છે, પણ એનાં દર્શન કોઈ ભાગ્યશાળી માણસને જ થાય છે. તાતણિયા ધરામાં મગર અને માછલીની લોકવાયકા વિશે વાત કરતાં મંદિરનાં સૂત્રો કહે છે, ‘એવી લોકવાયકા છે કે મહારાજાસાહેબ ભાવસિંહજી લાપસી બનાવીને માતાજીને પ્રસાદ ધરાવતા હતા એ સમયે મગરસ્વરૂપે મોટી માછલી પ્રસાદ લેવા બહાર આવતી હતી. મહારાજાએ શરૂ કરેલો પ્રસાદનો એ ઉપક્રમ આજે પણ ચાલે છે અને પ્રસાદમાં લાપસી ધરાવાય છે.’

તાતણિયો ધરો.

મહા સુદ આઠમે ખોડિયાર માતાજીની જન્મજયંતી આવે છે ત્યારે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટે છે. અહીં વર્ષેદહાડે લાખ્ખો શ્રદ્ધાળુઓ આવે છે. ઘણા બાધા-માનતા પૂરી કરવા આવે છે. આ મંદિરે વર્ષમાં માતાજીના પ્રાગટ્યદિન ઉપરાંત આસો અને ચૈત્ર નવરાત્રિ ઊજવાય છે તેમ જ દર પૂનમે અને રવિવારે દર્શનાર્થીઓ માતાજીના સ્થાનકે આવે છે.

મહારાજાસાહેબ સર કૃષ્ણકુમારસિંહજીએ ખોડિયાર મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી હતી અને શ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ આ મંદિરનું સંચાલન કરે છે. આજે ખોડિયાર માતાજીના પ્રાગટ્યદિને સવારથી લઈને રાત સુધી રાજપરા મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે આરતી થશે અને ત્યાર બાદ સાત બહેનો સાથે ખોડિયાર માતાજીની શોભાયાત્રા નીકળશે. એ પછી હવન, મહાઆરતી અને મહાપ્રસાદ તેમ જ રાતે ડાયરાનો કાર્યક્રમ યોજીને માતાજીને લાડ લડાવીને હર્ષોલ્લાસ સાથે પ્રાગટ્યદિન ઊજવાશે.

saurashtra bhavnagar religion religious places hinduism gujarat gujarat news news