નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું, સભા સંબોધી

12 May, 2026 09:53 AM IST  |  Saurashtra | Gujarati Mid-day Correspondent

સોમનાથમાં નરેન્દ્ર મોદીએ રોડ-શો યોજ્યો : દિલધડક ઍર-શો યોજાયો : મંદિર પર થઈ પુષ્પવર્ષા : શંખ અને ડમરુના નાદથી સ્વાગત કરવામાં આવ્યું : સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નરેન્દ્ર મોદીએ અર્પણ કરી પુષ્પાંજલિ

સોમનાથ મંદિરમાં ડમરુના નાદથી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોમનાથ મંદિરના પુનઃ નિર્માણનાં ૭૫ વર્ષ પૂરાં થતાં યોજાયેલા અમૃતપર્વ મહોત્સવમાં પહેલી વાર સોમનાથ મંદિર પર ૧૧ તીર્થોના જળથી કુંભાભિષેક થયો હતો. એટલું જ નહીં, ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ઍરોબૅટિક્સ ટીમે સોમનાથમાં દિલધડક ઍર-શો કર્યો હતો. આ ઍર-શોએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. 

નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના કરીને મંદિર પર કુંભાભિષેક અને ધ્વજારોહણ કર્યું હતું અને જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પવિત્ર પળે ઍરફોર્સનાં બે ચેતક હેલિકૉપ્ટર દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

સોમનાથમાં યોજાયેલા રોડ-શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લોકોએ અભિવાદન કર્યું હતું.

૭૫ ઢોલીઓ ઉપરાંત નાશિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે ૧૦૦ બાળાઓએ માથે અમૃતકળશ મૂકીને નરેન્દ્ર મોદીને હરખભેર આવકાર્યા હતા.

સોમનાથ મંદિરના પરિસરમાં આવતાં પહેલાં નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોએ શંખ અને ડમરુના નાદ સાથે નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.

ખાસ બનાવેલા બેલ વૉક પરથી પસાર થઈને નરેન્દ્ર મોદી નિજ મંદિરમાં આવ્યા હતા. અહીં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી હતી અને દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

સોમનાથમાં નરેન્દ્ર મોદીને સ્ટેજ પર સોમનાથ મંદિરની છબિ, સિંહનું પોર્ટ્રેટ તેમ જ કળશ ભેટ આપવામાં આવ્યાં હતાં.

પોસ્ટ વિભાગે ૭૫ વર્ષ પ્રાણપ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત ૭૫ રૂપિયાના સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતા સિક્કાનું અનાવરણ કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ સભાને સંબોધતાં પહેલાં જય સોમનાથ... જય સોમનાથ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો.

૭૦૦થી વધુ મહિલાઓ અને પુરુષો કેસરિયા સાફા પહેરીને સભામાં આવ્યાં હતાં.

સોમનાથ અમૃત મહોત્સવ અતીતનો ઉત્સવ નહીં પણ આવનારાં ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ

નરેન્દ્ર મોદીએ સોમનાથ મહાદેવ સમક્ષ શીશ નમાવીને દર્શન કર્યાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોમનાથ મહાદેવજીનાં દર્શન કરીને સભા સંબોધી : સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણને ૭૫ વર્ષ પૂરાં થતાં ઊજવાયો સોમનાથ અમૃતપર્વ મહોત્સવ

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃ નિર્માણને ગઈ કાલે ૭૫ વર્ષ પૂરાં થવા પ્રસંગે આયોજિત સોમનાથ અમૃતપર્વ મહોત્સવમાં વડા પ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિરમાં સોમનાથ મહાદેવજીની પૂજાઅર્ચના કરી આશીર્વાદ મેળવીને સભાને સંબોધતાં કહ્યું હતું કે સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારાં ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે.

સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરની અવદશા જોઈને એના પુનઃ નિર્માણનો સંકલ્પ કરીને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું એને ૭૫ વર્ષ પૂરાં થતાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનમંડળના સભ્યોની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં અમૃતપર્વ મહોત્સવનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગે સદ્ભાવના મેદાન ખાતે યોજાયેલી સભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એ તેમના જ શબ્દોમાં જોઈએ...

સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે આજે આપણે એના ધામના પુનઃ નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયા, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ એ ભગવાન સદાશિવની જ લીલા છે.

૭૫ વર્ષ પહેલાં આજના દિવસે થયેલી સોમનાથની પુનઃ સ્થાપના એ સાધારણ અવસર નહોતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો.

સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાંઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુનઃ નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુનઃ હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.

આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિરના પુનઃ નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવમાત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.

જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે એને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી-મિટાવી શક્યા નથી.

સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે એ એના મૂળ સાથે જોડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યું.

આ સાંસ્કૃતિક ગૌરવયાત્રાને અનેક વીર સપૂતો અને રાજા-મહારાજાઓએ સંરક્ષિત કરી છે ત્યારે નવી પેઢીને જવાબદારીથી આ વિરાસતોની મહાનતા અને ભવ્યતાના સંરક્ષણથી જાગૃત કરવાની છે અને તેમને મહાન વારસો સોંપવાનો છે.

સોમનાથ પર આક્રમણ કરનારા સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા. જેટલી વાર સોમનાથ પર આક્રમણ થયું એટલી વાર સોમનાથનું વધુ ને વધુ દિવ્યતાથી પુનઃ નિર્માણ થતું ગયું.

આ આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા નહોતા. આપણે શરીરને નશ્વર માનીએ છીએ અને આત્માને અવિનાશી માનીએ છીએ. શિવ તો સર્વાત્મા છે. શક્તિદાતા શિવ શાશ્વત છે એટલે જ હજારો વર્ષ બાદ પણ અતૂટ આસ્થા વચ્ચે સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે.

છેલ્લા એક દસકાથી ભારતનાં તીર્થસ્થાનોનો વિકાસ કરવાનો મોકો મળ્યો છે. કાશી વિશ્વનાથ, કેદારનાથ, અયોધ્યા અને સોમનાથ સહિતનાં તીર્થસ્થળોના વિકાસથી દેશની આર્થિક પ્રગતિ પણ થઈ રહી છે.

ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. સોમનાથ મંદિરના પુનઃ નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામસાહેબનું યોગદાન પ્રેરણાદાયી છે.

સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહિલ્યાબાઈ હોળકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથદાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું.

gujarat news gujarat somnath temple narendra modi religious places saurashtra culture news festivals