26 August, 2025 01:00 PM IST | Junagadh | Gujarati Mid-day Correspondent
૯૫ વર્ષનાં પૂજ્ય હંસાબાઈ મહાસતીજી રવિવારે સાંજે સવાપાંચ વાગ્યે દેવલાલી મુકામે સમાધિભાવપૂર્વક કાળધર્મ પામ્યાં છે.
ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય પ્રાણલાલજી મહારાજસાહેબના પરિવારનાં ઉગ્ર તપસ્વી પૂજ્ય જયાબાઈ મહાસતીજીનાં સુશિષ્યા ૯૫ વર્ષનાં પૂજ્ય હંસાબાઈ મહાસતીજી રવિવારે સાંજે સવાપાંચ વાગ્યે દેવલાલી મુકામે સમાધિભાવપૂર્વક કાળધર્મ પામ્યાં છે.
સૌરાષ્ટ્રના સાવરકુંડલાનાં વતની સમજુબા હરજીવનદાસ મગિયાનાં સુપુત્રી હંસાબાઈ મહાસતીજીએ ૧૮ વર્ષની ઉંમરે પૂજ્ય પ્રાણગુરુના શ્રીમુખેથી સદ્બોધ પામીને ૨૪ વર્ષની ઉંમરે તેમના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરીને ગોંડલ ગચ્છ શિરોમણિ પૂજ્ય ગુરુદેવ જયંતીલાલજી મહારાજસાહેબ તેમ જ પૂજ્ય જયાબાઈ મહાસતીજીના ચરણમાં જીવન સમર્પિત કરીને સંયમ સાધનાનો પ્રારંભ કર્યો હતો.
૬૯ વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયી સમતામૂર્તિ પૂજ્ય હંસાબાઈ મહાસતીજીએ પોતાના સંયમકાળ દરમ્યાન સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તર ભારત, કાઠમાંડુ, નેપાલ આદિ અનેક ક્ષેત્રોમાં વિચરણ કરીને શાસનપ્રભાવના કરી હતી. સંયમ જીવનનાં અંતિમ વર્ષોમાં દેવલાલી ક્ષેત્રમાં સ્થિરવાસ કરીને પોતાની આત્મસાધના કરતાં-કરતાં જીવનને ધન્ય બનાવ્યું હતું. પૂજ્ય જ્યોતિબાઈ મહાસતીજીએ પૂજ્ય દિવંગત મહાસતીજીની અંતિમ સમય સુધી અગ્લાન ભાવે સેવા કરીને અંતેવાસી શિષ્ય સ્વરૂપે શ્રેષ્ઠ કર્તવ્યનું પાલન કર્યું હતું.
ગઈ કાલે બપોરે પૂજ્ય શ્રી દિવંગત મહાસતીજીની પાલખીયાત્રા દેવલાલી ‘વૈભવ’થી નીકળી હતી.
આજે સવારે સાડાદસ વાગ્યે ગુણાનુવાદ સભા દેવલાલીમાં બિરાજમાન સંત-સતીજીના સાંનિધ્યમાં યોજાશે.