11 April, 2025 10:33 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ યોજાયો હતો. લગ્ન સંપન્ન થતાં ઉપસ્થિત ધાર્મિકજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને ફૂલોથી વધાવ્યાં હતાં.
સૌરાષ્ટ્રમાં આવેલી પવિત્ર ભૂમિ માધવપુરમાં બુધવારે રાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીનો વિવાહપ્રસંગ આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે અને આનંદ-ઉલ્લાસપૂર્વક સંપન્ન થયો હતો.
પ્રભુનાં વિવાહમાં મહાલવા માટે ધાર્મિકજનો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. લગ્નવિધિ સંપન્ન થયા બાદ ગઈ કાલે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની જાન માધવપુરથી દ્વારકા રવાના થઈ હતી.
દ્વારકા જતાં પોરબંદર જાન પહોંચી ત્યારે પ્રભુની જાનને ઉમળકાભેર આવકાર અપાયો હતો અને હરખભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીને શ્રદ્ધાપૂર્વક પોંખવામાં આવ્યાં હતાં.
પોરબંદરમાં જાન પહોંચી ત્યારે ઢોલનગારાંથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જાન આવી ત્યારે પોરબંદરના આગેવાનો સહિતના શહેરીજનોએ ઢોલનગારાં સાથે વાજતેગાજતે જાનનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
યુવાનોએ મણિયારો રાસ અને બહેનોએ ગરબે ઘૂમીને આનંદ વ્યક્ત કર્યો હતો.