✕

ચોમાસા બાદ યાત્રાધામ સોમનાથમાં ફરી શરૂ થયો 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ શો

30 October, 2026 12:51 PM IST  |  Somnath | Gujarati Mid-day Correspondent

સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતો શો જોવાનો ફરી લહાવો મળશે ધાર્મિકજનોને ઃ મંદિર પરિસરમાં રાતે યોજાય છે શો

સોમનાથ મહાદેવ મંદિરમાં શરૂ થયેલો 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ શો.

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં રાતે થતો જાણીતો થ્રી ડાયમેન્શનલ (3D) લાઇટ ઍન્ડ સાઉન્ડ શો ચોમાસા બાદ ફરી શરૂ થયો છે. દિવાળીના પર્વમાં સોમનાથ મહાદેવનાં દર્શન કરવા આવતા ધાર્મિકજનોને આ શો જોવાનો લહાવો મળશે.

દેશ-વિદેશથી સોમનાથ મહાદેવનાં દર્શન કરવા લાખો શિવભક્તો સોમનાથ આવતા હોય છે ત્યારે સોમનાથ તીર્થના યુગ-યુગાંતરના ગૌરવને ઉજાગર કરતો 3D લાઇટ ઍન્ડ સાઉન્ડ શો રાતે યોજાય છે. ચોમાસાની સીઝનના કારણે આ શો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાની સીઝન પૂરી થતાં આ શો ફરી શરૂ કરવામાં આવ્યો છે. સોમનાથ આવતા દર્શનાર્થીઓ સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર થાય, કઈ રીતે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથ આ ભૂમિ પર પધાર્યા, કઈ રીતે ભગવાન શ્રીકૃષ્ણે પોતાની અંતિમ લીલા દર્શાવી નિજધામ ગમન કર્યું, કઈ રીતે આ તીર્થ પ્રભાસ કહેવાયું, શું છે ધાર્મિક કથા આ તમામ બાબતોને આધુનિક 3D લેઝર ટેક્નૉલૉજીના ઉપયોગથી યાત્રિકોને માહિતગાર કરાય છે. દિવાળીનું પર્વ હવે આવી પહોંચ્યું છે ત્યારે આ શો ફરી શરૂ કરવામાં આવ્યો છે. આ શો સાંજે આરતી બાદ ૭.૪૫ વાગ્યે મંદિરની પાછળની સાઇડે યોજાય છે. શનિવારે અને રવિવારે તેમ જ તહેવારના દિવસોમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને બે શો યોજવામાં આવશે.

gujarat news saurashtra somnath temple religious places