ગુજરાતનાં મંદિરોમાં બે મહિના પછી આજથી દર્શન થશે

11 June, 2021 01:50 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જોકે અંબાજી મંદિર દર્શન માટે આવતી કાલથી ખૂલશે

દરિયાકિનારે આવેલું ભગવાન સોમનાથનું ભવ્ય મંદિર.

કોરોના મહામારીની બીજી લહેર ગુજરાત માટે ઘાતક સાબિત થતાં બંધ થઈ ગયેલાં ધાર્મિક સ્થાનો સંક્રમણનું પ્રમાણ ઘણું ઘટી જતાં લગભગ બે મહિનાના સમયગાળા બાદ આજથી ફરી પાછાં ખૂલશે અને મંદિરોમાં માનવીઓ દર્શન માટે ભગવાનના શરણે જઈને પારે માથું ટેકવશે. ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામોએ ભાવિકોને માટે કોરોના ગાઇડલાઇનના પાલન સાથે દર્શન કરાવવાની તૈયારીઓ કરી લીધી છે.

સોમનાથમાં સોમનાથદાદાનું મંદિર, ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર, ચોટીલામાં ચામુંડા માતાજીનું મંદિર, શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીનું મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, શક્તિપીઠ બહુચરાજીમાં બહુચરાજી માતાજીનું મંદિર, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીનું મંદિર, જૂનાગઢમાં ભવનાથ મહાદેવનું મંદિર, શામળાજીમાં ભગવાન શામળિયાજીનું મંદિર, ઊંઝામાં ઉમિયા માતાજીનું મંદિર, કરનાળીમાં આવેલુ કુબેરભંડારીનું મંદિર, કાગવડમાં આવેલું ખોડલધામ મંદિર સહિતના વિશ્વ પ્રસિદ્ધ મંદિરોમાં આજથી ભાવિકો ભગવાનના દર્શન કરી શકશે. દર્શનાર્થીઓ ભગવાન સોમનાથના સવારે ૭-૩૦ થી ૧૧-૩૦ અને બપોરે ૧૨-૩૦થી સાંજે ૬-૩૦ સુધી દર્શન કરી શકશે. શક્તિપીઠ અંબાજી મંદિર ૧૨ જૂનથી એટલે કે આવતી કાલથી દર્શન માટે ખુલ્લું મુકાશે.

gujarat coronavirus covid19 ahmedabad