28 November, 2026 03:43 PM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ગઈ કાલે બપોરે એક પછી એક એમ ભૂકંપના ત્રણ હળવા આંચકા આવ્યા હતા. તાલાલા પંથકની ધરા ધ્રૂજી હતી, પરંતુ હળવા આંચકા હોવાથી કોઈ મુશ્કેલી સર્જાઈ નથી.
તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું હતું. બપોરે ૩.૩૦ વાગ્યે ૨.૩ની તીવ્રતાનો આંચકો ત્યાર બાદ ૩.૩૨ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો બીજો આંચકો અને ૩.૫૧ વાગ્યે ૨.૬ની તીવ્રતા સાથે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. તાલાલા પંથકમાં લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હતો. ઉપરાઉપરી ૩ વખત ધરતી ધ્રૂજતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી.