સોમનાથમાં વંદે સોમનાથ કલા મહોત્સવનો શુભારંભ

05 August, 2026 12:10 PM IST  |  Saurashtra | Gujarati Mid-day Correspondent

દેશભરમાંથી કલાકારો સોમનાથ આવીને નૃત્ય આરાધના દ્વારા સોમનાથ મહાદેવનાં ચરણોમાં કરશે ભક્તિ અર્પણ ઃ સોમવાર રાતથી થયો મહોત્સવનો પ્રારંભ

સોમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં કલાકારોએ પોતાની કળા રજૂ કરી હતી.

સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં વંદે સોમનાથ કલા મહોત્સવનો સોમવારથી શુભારંભ થયો છે. કલાકારોએ સોમનાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં નૃત્ય આરાધના સહિતની કલા દ્વારા ભગવાન સોમનાથ મહાદેવજનાં ચરણોમાં ભક્તિ અર્પણ કરી હતી.

શ્રાવણ માસ પૂર્વે વંદે સોમનાથ કલા મહોત્સવ અંતર્ગત સોમનાથ ખાતે દેશભરમાંથી કલાકારોએ આવીને નૃત્ય આરાધના દ્વારા મહાદેવનાં ચરણોમાં પોતાની ભક્તિ અર્પિત કરવાનું શરૂ કર્યું છે. મહોત્સવના પ્રથમ ચરણમાં કલાકારો દ્વારા બાંસુરીવાદન, કુચીપુડી, કથક ઉપરાંત માણભટ્ટના આખ્યાન સહિતની વૈવિધ્યસભર કૃતિઓ રજૂ કરીને સોમનાથ મહાદેવની કલા આરાધના કરવામાં આવી હતી.

દરેક સોમવારે યોજાશે કલા મહોત્સવ 
શ્રી સોમનાથ ટ્રસ્ટ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવનો મુખ્ય ધ્યેય સોમનાથ તીર્થના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે. સોમવારથી શરૂ થયેલો આ કાર્યક્રમ ૬ ચરણમાં યોજાશે. શ્રાવણ માસના દરેક સોમવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વંદે સોમનાથ ઉપક્રમ હેઠળ છેલ્લાં બે વર્ષથી સોમનાથની પવિત્ર ભૂમિ પર સાંસ્કૃતિક અને કલાત્મક ચેતનાની પુનઃસ્થાપના થઈ રહી છે.  

નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આયોજન  
સદીઓ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દરબારમાં હજારો નર્તકો–નર્તકીઓ દ્વારા કલા અને કલ્યાણના દેવતા નટરાજ મહાદેવની કલાઆરાધના કરવામાં આવતી હતી. આ પ્રાચીન દૈવીય પરંપરા અને ભારતીય નૃત્ય શૈલીઓમાં રહેલા શિવતત્ત્વને પુનઃ ઉજાગર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વંદે સોમનાથ કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

૩ સ્થળે યોજાશે કાર્યક્રમ  
શ્રાવણ માસના દરેક સોમવારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ, પ્રૉમનૅડ વૉકવે અને સાગર દર્શન ભવન ખાતે બનાવેલા ૩ વિશેષ મંચ પર સંગીત, ગાયન અને રોશનીના સમન્વય સાથે કાર્યક્રમ યોજાશે. દેશના ખૂણે-ખૂણેથી આવેલા કલાકારો વિવિધ ભારતીય નૃત્ય શૈલીઓ દ્વારા સોમનાથ મહાદેવની આરાધના કરશે.  

gujarat news somnath temple religious places saurashtra culture news