31 October, 2025 11:02 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ગિરનાર પર્વતની લીલી પરિક્રમાના રૂટ પર થયેલો કાદવ-કીચડ.
ગુજરાતમાં શિયાળામાં પણ મેઘરાજા ખમૈયા નથી કરી રહ્યા ત્યારે માવઠાની અસર હવે ગુજરાતમાં શરૂ થવા જઈ રહેલા લોકમેળાઓ પર થઈ છે. સોમનાથમાં યોજાનારો કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો વરસાદી માહોલ અને આગાહીને કારણે પાછો ઠેલાયો છે, જ્યારે વિખ્યાત ગિરનાર પર્વતની લીલી પરિક્રમા પર માવઠાનું સંકટ છવાયું છે અને પરિક્રમાના રૂટ પર વરસાદને કારણે કાદવ-કીચડ થઈ ગયો છે.
સૌરાષ્ટ્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાતો પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો એકથી પાંચ નવેમ્બર દરમ્યાન યોજાવાનો હતો, પરંતુ વરસાદી માહોલ અને પ્રવર્તમાન હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળાની તારીખમાં ફેરફાર કરીને ૨૭ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી યોજવાનો નિર્ણય કર્યો છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાને રાખીને સોમનાથ ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. જોકે પહેલીથી ૪ નવેમ્બર એટલે કે કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમાના પર્વ દરમ્યાન સોમનાથ મંદિરમાં દર્શન, પૂજા અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમયે યોજાશે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં આવેલા જૂનાગઢ પાસે ગિરનાર પર્વતની લીલી પરિક્રમા બીજી નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે પરિક્રમાના રૂટનું ધોવાણ થયું છે તેમ જ કાદવ-કીચડ થઈ ગયો છે. આ પરિક્રમામાં પદયાત્રીઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચાલતાં અન્નક્ષેત્રોની તૈયારીઓ માટે અન્નક્ષેત્રોના સ્વયંસેવકો તૈયારીઓ કરવા બે દિવસ પહેલાં પહોંચી જાય છે, પરંતુ હાલમાં કાદવ-કીચડની પરિસ્થિતિ છે તેમ જ વરસાદ પડવાની આગાહી પણ છે ત્યારે ગિરનારની લીલી પરિક્રમા પર પણ માવઠાનું સંકટ છવાયું છે.
શિયાળામાં પણ ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત્- ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ૧૯૮ તાલુકાઓમાં પડ્યો વરસાદ ઃ હજી પણ ગુજરાતમાં નહીં નીકળે ઉઘાડ ઃ ભાવનગરના મહુવા અને તળાજા તાલુકામાં પડ્યો ૩ ઇંચ વરસાદ
ગુજરાતમાં શિયાળામાં પણ કમોસમી વરસાદ યથાવત્ રહ્યો છે અને હજી ઉઘાડ નહીં નીકળે, પણ કમોસમી વરસાદ પડશે એવી આગાહી છે. ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ગુજરાતમાં ૧૯૮ તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં શિયાળો નહીં પણ શિયાળામાં ચોમાસું બરાબરનું જામ્યું હોય એવો માહોલ છેલ્લા કેટલાક દિવસથી સર્જાયો છે. શિયાળામાં સ્વેટર પહેરવાને બદલે લોકો છત્રી અને રેઇનકોટ પહેરીને બહાર નીકળી રહ્યા છે. ગઈ કાલે રાતે ૮ વાગ્યા સુધીમાં ૧૯૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકામાં ૩ ઇંચથી વધુ, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં પોણાત્રણ, ડાંગ જિલ્લાના સુબીર, સુરત જિલ્લાના મહુવા અને ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે અને હજી પણ બીજી નવેમ્બર સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.