બે દિવસથી ટર્કીમાં અટવાઈ ગયા છે લંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઇટના ૨૦૦ પૅસેન્જર્સ

05 April, 2025 06:56 AM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

બુધવારે મેડિકલ ઇમર્જન્સી માટે લૅન્ડ થયેલા પ્લેનમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હોવાથી મુંબઈ નથી આવી શકી : ફ્લાઇટ ક્યારે ઊપડશે એની માહિતી પૅસેન્જરો પાસે ન હોવાથી પરિવારજનો મુકાયા ચિંતામાં

ટર્કીના મિલિટરી ઍરબેઝ પર અટવાઈ ગયેલા પૅસેન્જરો અને ભૂખથી ટળવળતા બે મહિનાના બાળક સાથે મહિલા.

વર્જિન ઍરલાઇન્સના પ્લેનને મેડિકલ ઇમર્જન્સી માટે બુધવારે ટર્કીના દિયારબકિર ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવું પડ્યું હતું. લૅન્ડિંગ કરતી વખતે ટેક્નિકલ ફૉલ્ટ આવતાં પ્લેન ત્યાં જ ફસાયું છે અને છેલ્લા બે દિવસથી ૨૦૦ પૅસેન્જરો અટવાઈ ગયા છે. 

એક પૅસેન્જરને પૅનિક અટૅક આવતાં ફ્લાઇટને ટર્કીમાં લૅન્ડ કરાવવી પડી હતી. જોકે ત્યાર બાદ એવું જાહેર કરવામાં આવ્યું કે ફ્લાઇટ લૅન્ડ કરતી વખતે ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હોવાથી એ મુંબઈ નહીં જઈ શકે. એ પછી બીજી ફ્લાઇટની વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે એ બાબતે કોઈ માહિતી ઍરલાઇન્સે આપી નથી. બીજું, જે ઍરબેઝ પર પ્લેન લૅન્ડ કરવામાં આવ્યું છે એ મિલિટરી ઍરબેઝ હોવાથી પૅસેન્જરોને બહાર પણ જવા દેવાતા નથી કે તેમના રહેવાની પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અટકી પડેલા પૅસેન્જરોને કોઈ માહિતી આપવામાં આવતી ન હોવાથી તેઓ અને તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.

આ ફ્લાઇટમાં અટવાયેલા પૅસેન્જરોમાં આમ આદમી પાર્ટી (AAP)નાં મુંબઈનાં નેતા અને પાર્ટીનાં પ્રવક્તા પ્રીતિ શર્મા મેનનના પરિવારના સભ્યો પણ છે. પ્રીતિ મેનને આ ઘટના વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારા પરિવારના બે સભ્યો અત્યારે ટર્કીમાં અટવાઈ ગયા છે. ફ્લાઇટ મુંબઈમાં બુધવારે મધરાત બાદ ૧.૪૫ વાગ્યે લૅન્ડ થવાની હતી. એ પહેલાં જ એ બુધવારે રાતે ૭ વાગ્યે જ ટર્કીમાં મેડિકલ ઇમર્જન્સી આવતાં લૅન્ડ કરાવવામાં આવી હતી. જે પૅસેન્જરને પૅનિક અટૅક આવ્યો હતો તેને પહેલાં હૉસ્પિટલ લઈ જવાયો હતો અને સારવાર બાદ ફરી ઍરપોર્ટ લાવવામાં આવ્યો હતો. આ લોકો જે ઍરબેઝ પર છે એ મિલિટરીનું છે પણ એના પરથી અમુક કમર્શિયલ ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. જે પૅસેન્જરોને ઉતાવળ હોય તેમને પોતાની રીતે ઇસ્તાંબુલ જવાનું કહેવામાં આવ્યું છે. જોકે ઇસ્તાંબુલ પણ ત્યાંથી ઘણું દૂર છે અને ત્યાં સુધી પહોંચવું પણ રિસ્કી છે. નવાઈની વાત એ છે કે આ ઍરબેઝથી ઇસ્તાંબુલની સોમવારે ફ્લાઇટ છે અને ગઈ કાલે ગુરુવાર હતો. શું પૅસેન્જરોએ ત્યાં સુધી અહીં ઍરપોર્ટ પર જ રહેવું પડશે?’

પૅસેન્જરોની હાલત ખરાબ?

ફસાયેલા પૅસેન્જરોને ૬ કલાક પછી ખાવા માટે એક સૅન્ડવિચ અપાઈ રહી છે. પૅસેન્જરોમાં બાળકો છે, પ્રેગ્નન્ટ મહિલા અને સિનિયર સિટિઝન્સ પણ છે. એ બધાની હાલત કફોડી થઈ ગઈ છે એમ જણાવતાં પ્રીતિ મેનને વધુમાં કહ્યું હતું કે ‘પૅસેન્જરોના મોબાઇલની બૅટરીઓ પૂરી થઈ રહી છે. ઍરબેઝ પર જે ઇલેક્ટ્રિક સૉકેટ છે એ અલગ છે એથી કોઈની પાસે એવાં ચાર્જર નથી કે મોબાઇલ ચાર્જ થઈ શકે. ઍરબેઝ પર એવી કોઈ દુકાન પણ નથી કે તેઓ ત્યાંથી ચાર્જર લાવી શકે. એટલે બૅટરી સંભાળીને વાપરવા માટે તેમણે મોબાઇલ સ્વિચ્ડ-ઑફ કરી દીધા છે જેથી ઇમર્જન્સીમાં કૉલ કરી શકાય. અમે યુનાઇટેડ ​કિંગ્ડમ (UK) ગવર્નમેન્ટ અને આપણા વિદેમંત્રાલયને ટ્વીટ કરીને હેલ્પ માગી છે, પણ તેમના તરફથી કોઈ રિસ્પૉન્સ નથી મળી રહ્યો. વર્જિન ઍરલાઇન્સવાળા પણ કોઈ માહિતી નથી આપી રહ્યા કે તેઓ પૅસેન્જર્સને પાછા લાવવા માટે કેવા પ્રયાસ કરી રહ્યા છે.’  

airlines news turkey mumbai mumbai travel travel news news international news world news mumbai news