26 November, 2025 10:31 AM IST | Taliban | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ એજન્સી
પાકિસ્તાને સોમવારે અડધી રાતે અફઘાનિસ્તાના ત્રણ પ્રાંત ખોસ્ત, કુનાર અને પક્તિકામાં ઍરસ્ટ્રાઇક કરી હતી. ખોસ્ત પર કરેલા હુમલામાં ૧૦ સામાન્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં ૯ બાળકો અને એક મહિલા સામેલ છે. તાલિબાની પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે કહ્યું હતું કે પાકિસ્તાની વિમાનોએ એક ઘર પર રાતે ૧૨ વાગ્યે બૉમ્બમારો કર્યો હતો એમાં પાંચ છોકરાઓ, ૪ છોકરીઓ અને એક મહિલા મૃત્યુ પામ્યાં હતાં. કુનાર અને અન્ય પ્રાંતમાં થયેલા પાકિસ્તાની હુમલામાં ૪ નાગરિકો ઘાયલ થયા હતા.’
આ હુમલો કરીને પાકિસ્તાને ઇસ્તાંબુલમાં થયેલા યુદ્ધવિરામના કરારનું ઉલ્લંઘન કર્યું છે એમ જણાવતાં જબીઉલ્લાહે કહ્યું હતું કે અમે યોગ્ય સમયે એનો જડબાતોડ જવાબ આપીશું.
આ ઘટના પર પાકિસ્તાનની સેના કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
પાકિસ્તાની સુરક્ષા દળોએ TTPના બાવીસ આતંકવાદીઓને કર્યા ઢેર
પેશાવરમાં તહરીક-એ-તાલિબાન (TTP) દ્વારા કરાયેલા હુમલાના જવાબમાં ગઈ કાલે પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબરપખ્તૂનખ્વા પ્રાંતમાં TTPના બાવીસ આતંકવાદીઓને મારી નાખ્યા હતા. ખુફિયા માહિતી અનુસાર પાકિસ્તાનની સેના બે દિવસથી અભિયાન ચલાવી રહી હતી.