ઓમાઇક્રોન પછીનો વે​રિઅન્ટ વધુ તીવ્ર અને જોખમી રહેશે

08 January, 2022 09:37 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના અગ્રણી સાયન્ટિસ્ટે ચેતવણી આપી

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોનની ઓછી તીવ્રતા અત્યારે કદાચ ગુડ ન્યુઝ હોઈ શકે છે, પરંતુ એ વાસ્તવમાં ‘ઇવૉલ્યુશનરી ભૂલ’નું પરિણામ છે, કેમ કે કોરોના ખૂબ જ અસરકારકતાથી ફેલાઈ રહ્યો છે અને એને લીધે આ વાઇરસ હળવો થયો હોવાનું માનવાને કોઈ કારણ નથી. જે સૂચવે છે કે આગામી વેરિઅન્ટ વધુ તીવ્ર અને જોખમી રહેશે. કૅમ્બ્રિજ યુનિવર્સિટીના ભારતીય મૂળના અગ્રણી સાયન્ટિસ્ટે ચેતવણી આપતાં આ વાત જણાવી હતી. 
કૅમ્બ્રિજ ઇન્સ્ટિટ્યૂટ ફૉર થેરાપેટિક ઇમ્યુનોલૉજી ઍન્ડ ઇન્ફેક્શન્સ ડિસીઝના ક્લિનિકલ માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર રવીન્દ્ર ગુપ્તાના નેતૃત્વમાં તાજેતરમાં ઓમાઇક્રોન વેરિઅન્ટ પર એક સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં જણાવાયું હતું કે આ નવો વેરિઅન્ટ ફેફસાંમાં રહેલા સેલ્સને ઓછો સંક્રમિત કરે છે. જોકે વાઇરસ પોતે હળવો બન્યો નથી. 
ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘એવી ધારણા છે કે વાઇરસ સમય જતાં વધુ હળવા બની જાય છે, પરંતુ અહીં એમ બની રહ્યું નથી. કોરોના વાઇરસ માટે એ પ્રૉબ્લેમ નથી, કેમ કે એ અત્યંત ચેપી છે. એટલે એ હળવો બની જાય એમ માનવાને કોઈ કારણ નથી. એટલા માટે જ હું માનું છું કે આ ઇવૉલ્યુશનરી ભૂલ છે. ઓમાઇક્રોનની તીવ્રતા ઓછી છે એ સ્વાભાવિક રીતે અત્યાર માટે ગુડ ન્યુઝ છે, પરંતુ આગામી વેરિઅન્ટ જ્યારે આવશે ત્યારે એ જરૂરી નથી કે એની પણ એવી જ લાક્ષણિકતા હોય. એ કદાચ આ પહેલાંના વેરિઅન્ટ્સની જેમ જ તીવ્ર હોઈ શકે છે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘આ જ કારણસર સંક્રમણને ફેલાતું અટકાવવું એ જ સૌથી ઇચ્છનીય બાબત છે, કેમ કે આપણી હેલ્થ પર જુદા-જુદા વેરિઅન્ટ્સની અસરો વિશે આપણે સંપૂર્ણપણે જાણતા નથી. અત્યારે હળવા વેરિઅન્ટની સિચુએશન છે ત્યારે આપણે એનો લાભ લઈને વૅક્સિનેશન કવરેજને વધારવું જોઈએ.’ આ સા​યન્ટિસ્ટ બ્રિટન સરકારના સાયન્ટિફિક ઍડ્વાઇઝરી ગ્રુપ ફૉર ઇમર્જન્સી તેમ જ ન્યુ ઍન્ડ ઇમર્જિંગ રેસ્પિરેટરી વાઇરસ થ્રીટ્સ ઍડ્વાઇઝરી ગ્રુપના માર્ગદર્શક છે. 

coronavirus covid19 Omicron Variant international news