18 November, 2024 01:33 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનનો વાઇરલ ચાવાળો અર્શદ ખાન
હજી હમણાં જ આપણા ડૉલી ચાયવાલાએ દુબઈમાં ઑફિસ શરૂ કર્યાનું જાણવા મળ્યું છે ત્યારે પાકિસ્તાનનો વાઇરલ ચાવાળો અર્શદ ખાન પણ સમાચારોમાં ચમક્યો છે. એક સમયે રસ્તા પર ચા વેચતો અર્શદ ખાન ૨૦૧૬માં તેના લુક્સ અને બ્લુ આંખોને કારણે સોશ્યલ મીડિયા પર છવાઈ ગયો હતો. આ પ્રસિદ્ધિએ તેનું નસીબ પલટી નાખ્યું છે. આપણે ત્યાં જે રીતે શાર્ક ટૅન્ક ટીવી-શો ચાલે છે એવી જ રીતે પાકિસ્તાનમાં પણ ચાલે છે અને એમાં અર્શદ ખાને તાજેતરમાં ૧ કરોડ રૂપિયાનું રોકાણ મેળવ્યું છે. આતંકવાદ, સ્થાનિક રાજકીય ઊથલપાથલ જેવાં કારણોથી વગોવાયેલા પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત કરવા માટે અર્શદ ખાને પાકિસ્તાનની પરંપરાગત ચાની બ્રૅન્ડ લૉન્ચ કરી છે અને એનું નામ ચાયવાલા ઍન્ડ કંપની રાખ્યું છે. ચા જેવી સાવ સામાન્ય વસ્તુથી પાકિસ્તાન અને પાકિસ્તાનની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાનું મારું લક્ષ્ય છે એમ કહેતાં અર્શદ ખાનની કંપનીનાં આઉટલેટ્સ આખા પાકિસ્તાનમાં તો છે જ, સાથોસાથ લંડનમાં પણ તેણે કૅફે ખોલીને ચાની દુકાનને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી છે અને હવે દુનિયાભરમાં કૅફેની ફ્રૅન્ચાઇઝી લેવા માટે લોકોને તેણે આમંત્રણ આપ્યું છે. અર્શદ ખાન થોડાં વર્ષ પહેલાં પોતાના લુક્સને કારણે વાઇરલ થયો ત્યારે તેને મૉડલિંગના પણ ઘણા કૉન્ટ્રૅક્ટ મળ્યા હતા, પણ છેવટે તેણે પોતાના બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું હતું.