20 May, 2025 08:04 PM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent
અસીમ મુનીર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને દેશના સર્વોચ્ચ લશ્કરી રેન્ક, ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. સીઓએએસ જનરલ અસીમ મુનીર પાકિસ્તાનના ઇતિહાસમાં બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે. અગાઉ, અયુબ ખાને ૧૯૫૯-૧૯૬૭ દરમિયાન આ પદ સંભાળ્યું હતું. ભારતીય સેનાના હાથે કારમી હાર બાદ જનરલ મુનીરને આ પદ આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે શાહબાઝ સરકારે સેનાના તૂટેલા મનોબળને વધારવા માટે મુનીરને સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાને વાયુસેના પ્રમુખનો કાર્યકાળ પણ લંબાવ્યો
ભારત સાથેના સંઘર્ષ દરમિયાન યોગદાન બદલ પાકિસ્તાન સરકારે વાયુસેનાના વડા એર ચીફ માર્શલ ઝહીર અહમદ બાબર સિદ્ધુનો સેવા કાર્યકાળ પણ સર્વાનુમતે લંબાવ્યો છે. ભારત સાથેની તાજેતરના યુદ્ધમાં પાકિસ્તાની વાયુસેનાને સૌથી વધુ નુકસાન થયું છે. ભારતે પાકિસ્તાનના ૧૧ વાયુસેના ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આ હુમલાઓમાં પાકિસ્તાની વાયુસેનાને ભારે નુકસાન થયું હતું.
શાહબાઝ અસીમ મુનીરનું ચૂકવી રહ્યા છે દેવું
એવું માનવામાં આવે છે કે શાહબાઝ શરીફ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનો હોદ્દો આપીને તેમના જૂના ઉપકારની ભરપાઈ કરી રહ્યા છે. હકીકતમાં, આસીમ મુનીર જ હતા જેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં શાહબાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને જીતવામાં મદદ કરી હતી. પાકિસ્તાનની ચૂંટણીમાં સૈન્યના હસ્તક્ષેપ પર પણ મોટા પ્રશ્નો ઉભા થયા હતા. એટલું જ નહીં, આસીમ મુનીરે શાહબાઝના વડા પ્રધાન બનવાના માર્ગમાં સૌથી મોટો કાંટો રહેલા ઇમરાન ખાનને પણ દૂર કર્યા હતા.
અસીમ મુનીર સાથે પાકિસ્તાન સરકાર
ભારતના હુમલાઓને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ આસીમ મુનીર વિરોધીઓ તરફથી ટીકાનો ભોગ બન્યા છે. આખા પાકિસ્તાનમાં આસીમ મુનીર વિરુદ્ધ વિરોધનો માહોલ છે. પાકિસ્તાનના સામાન્ય લોકો આસીમ મુનીરને આર્મી ચીફ પદ પરથી હટાવવાની માગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, અસીમ મુનીરને ફિલ્ડ માર્શલનો દરજ્જો આપીને, શાહબાઝ શરીફે બતાવ્યું છે કે પાકિસ્તાન સરકાર તેમની સાથે મજબૂતીથી ઉભી છે.
આસીમ-શાહબાઝનું પંજાબી કનેક્શન
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર અને શાહબાઝ શરીફ બંને પંજાબથી આવે છે. આ પ્રાંતના લોકો પાકિસ્તાનના દરેક સરકારી ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. આ કારણે પાકિસ્તાનમાં ઘણી વખત બળવા જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. આમ છતાં, પંજાબ રાજ્યના લોકો સરકારી ક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખે છે.
તાજેતરમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પાકિસ્તાન આર્મી ચીફ આસીમ મુનીરને ગાલ પર પપ્પી કરતો જોવા મળી રહ્યો છે. કદાચ શાહિદ આફ્રિદી ભૂતકાળમાંથી શીખતો નથી. વર્લ્ડ કપ વિજેતા ઇમરાન ખાનને જેલમાં સડાવી રહેલી પાકિસ્તાની સેના કોઈ પણ ક્રિકેટરનો નજીકનો સંબંધી ન હોઈ શકે.