03 September, 2025 09:43 AM IST | Shanghai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અઝરબૈજાને ભારત પર શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (SCO)માં એના પૂર્ણ સભ્યપદમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો છે, કારણ કે એના પાકિસ્તાન સાથે મજબૂત સંબંધો છે. અઝરબૈજાનના મીડિયાએ ભારત પર બહુપક્ષીય રાજદ્વારી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને એને બદલો લેવાની કાર્યવાહી ગણાવી છે. ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને સમર્થન આપવાને કારણે બન્ને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે.
અઝરબૈજાનના પ્રેસિડન્ટ ઇલ્હમ અલીયેવે SCOમાં ચીનના ટિયાનજિન શહેરમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફને મળ્યા હતા. આ દરમ્યાન અલીયેવે ઑપરેશન સિંદૂરમાં ભારત પર વિજય મેળવવા બદલ પાકિસ્તાનને અભિનંદન આપ્યાં હતાં. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત ગમે એટલા આંતરરાષ્ટ્રીય મંચો પર અઝરબૈજાનનો રસ્તો રોકે, એ પાકિસ્તાન સાથે એની ભાઈચારી-મિત્રતાને વધુ મજબૂત બનાવશે.
અલીયેવે પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની મુલાકાતમાં બન્ને દેશો વચ્ચેના રાજકીય, સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે વેપાર અને આર્થિક સહયોગ વધારવા વિશે પણ વાત કરી હતી, જેના માટે અઝરબૈજાન-પાકિસ્તાન આંતર-સરકારી કમિશન દ્વારા કાર્ય કરવામાં આવશે.