12 July, 2025 07:01 AM IST | Balochistan | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
પાકિસ્તાન (Pakistan)માં એક બસ પર મોટો હુમલો થયો છે. પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાન (Balochistan) પ્રાંતમાં બંદૂકધારીઓએ નવ બસ મુસાફરોનું અપહરણ કર્યા પછી તેમની હત્યા કરી દીધી છે. હુમલાખોરોએ ૯ લોકોની ઓળખ પૂછીને તેમની હત્યા કરી હતી. આ હુમલાએ પાકિસ્તાનમાં પહલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ની યાદ અપાવી છે.
અહેવાલ મુજબ, હુમલાખોરોએ ૯ લોકોની ઓળખ પૂછ્યા બાદ તેમને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. બસ હુમલામાં માર્યા ગયેલા તમામ મુસાફરો પાકિસ્તાનના પંજાબ (Punjab)ના હતા. તેઓ ક્વેટા (Quetta)થી લાહોર (Lahore) જઈ રહ્યા હતા, પરંતુ બલુચિસ્તાનના ઝોબ (Zhob) વિસ્તારમાં બંદૂકધારીઓએ બસ પર હુમલો કર્યો.
સમાચાર એજન્સી રોઇટર્સે બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદને ટાંકીને જણાવ્યું હતું કે, ‘ગુરુવારે સાંજે અનેક બસોમાંથી મુસાફરોનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલાખોરો તેમને નજીકના પર્વતીય પ્રદેશમાં લઈ ગયા. ગોળીના ઘાવાળા તેમના મૃતદેહ રાત્રે પહાડોમાંથી મળી આવ્યા હતા’ બલુચિસ્તાનનો વિસ્તાર ખૂબ જ અશાંત છે અને અહીં આવી ઘટનાઓ વારંવાર બને છે.
સહાયક કમિશનર ઝોબ નવીદ આલમે જણાવ્યું હતું કે, ‘બંદૂકધારીઓએ ઝોબ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક બસ રોકી હતી અને પછી મુસાફરો પાસેથી તેમની ઓળખ પૂછી હતી. આ પછી ૯ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.’ નવીદ આલમે વધુમાં જણાવ્યું હતું કે, ‘તમામ મુસાફરો પંજાબના અલગ અલગ વિસ્તારોના હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.’
બસ હુમલાની ઘટના (Balochistan bus attack)ની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. જોકે, અગાઉ બલૂચ સંગઠનોએ પાકિસ્તાન અને બલુચિસ્તાનમાં આવા હુમલા કર્યા છે.
પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે તેને આતંકવાદી ઘટના ગણાવી છે.
આ દરમિયાન, એવા પણ સમાચાર બહાર આવ્યા છે કે, ત્રણ બંદૂકધારીઓએ ક્વેટા અને મસ્તુંગ સહિત કેટલીક જગ્યાએ હુમલો કર્યો છે. પરંતુ બલૂચ સરકારના પ્રવક્તા રિંદે કહ્યું છે કે સુરક્ષા દળો દ્વારા તમામ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં બલૂચ લિબરેશન આર્મી (Baloch Liberation Army)એ ક્વેટાથી પેશાવર (Peshawar) જતી જાફર એક્સપ્રેસ (Jaffar Express) ટ્રેનનું અપહરણ કર્યું હતું. ટ્રેનમાં ૪૦૦થી વધુ મુસાફરો હતા. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બલૂચ આર્મીએ મુસાફરો તેમજ કેટલાક પાકિસ્તાની લશ્કરી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા.
નોંધનીય છે કે, આ પ્રદેશમાં સૌથી સક્રિય બળવાખોર જૂથોમાંનું એક, બલૂચ લિબરેશન આર્મી, લાંબા સમયથી અફઘાનિસ્તાન (Afghanistan) અને ઈરાન (Iran)ની સરહદે આવેલા ખનિજ સમૃદ્ધ પ્રાંતમાં કાર્યરત છે. વંશીય બલૂચ આતંકવાદીઓ પાકિસ્તાની અધિકારીઓ પર આરોપ લગાવે છે કે તેઓ બલૂચિસ્તાનના સંસાધનોનો ઉપયોગ પંજાબ પ્રાંતને ફાયદો પહોંચાડવા માટે કરી રહ્યા છે, જેના કારણે સતત અશાંતિ અને હિંસા ફેલાય છે.