17 March, 2025 11:58 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
બલૂચિસ્તાનના ફાઇટર્સે કર્યો વધુ એક અટૅક
પાકિસ્તાનના ક્વેટાથી તાફ્તાન જઈ રહેલા પાકિસ્તાની આર્મીના કાફલા પર ગઈ કાલે થયેલા હુમલામાં ૭ જવાનોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૨૧ જવાનો ઘાયલ થયા હતા. ઘણા જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી મરણાંક વધી શકે છે. જોકે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)નો દાવો છે કે તેમણે ૯૦ પાકિસ્તાની જવાનોને મારી નાખ્યા છે.
આ હુમલાની જવાબદારી BLAએ લીધી છે. આ હુમલો ક્વેટાથી ૧૫૦ કિલોમીટર દૂર નોશકીમાં થયો હતો. હુમલા બાદ પાકિસ્તાની સેનાનાં હેલિકૉપ્ટરો અને ડ્રોન તહેનાત કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાની સેનાના કાફલામાં સાત બસ અને બે અન્ય વાહન હતાં. ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)થી સજ્જ એક વાહન સેનાના કાફલાની બસ સાથે ટકરાયા બાદ વિસ્ફોટ થયો હતો. આ સુસાઇડ-અટૅક હતો.
હજી ગયા અઠવાડિયે જ BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજૅક કરી હતી.