BRICS દેશોને ટ્રમ્પની ચેતવણીઃ અમેરિકા વિરોધી નીતિઓને સમર્થન આપવા પર વધારાનો ટેરિફ લાદશે

07 July, 2025 11:50 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

BRICS Coalition: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા વિરોધી નીતિઓ ધરાવતા બ્રિક્સ દેશો પર ૧૦ ટકા વધારાના ટેરિફ લાદવાની ધમકી આપી; બ્રિક્સના ઘોષણાપત્રમાં એકપક્ષીય ટેરિફ વધારા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે

ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

બ્રાઝિલ (Brazil)માં ચાલી રહેલા બ્રિક્સ સમિટ (BRICS Summit) દરમિયાન, યુએસ (United States) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ બ્રિક્સ દેશોને મોટી ચેતવણી આપી હતી. ટ્રમ્પે ધમકી આપતા કહ્યું છે કે, જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિને સમર્થન આપશે, તો તેમના પર ૧૦ ટકા વધારાનો ટેરિફ લાદવામાં આવશે. બ્રિક્સ સમિટ (BRICS Coalition)માં ઈરાન (Iran) પર અમેરિકા (United States of America) અને ઇઝરાયલ (Israel)ના હુમલાની નિંદા થયા બાદ, ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી હતી અને બ્રિક્સ દેશોને ચેતવણી આપી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ પર લખ્યું છે કે, ‘જે પણ દેશ બ્રિક્સની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેમની પાસેથી વધારાનો ૧૦% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!’