કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે ચીનમાં વધ્યા કેસ

26 October, 2021 09:40 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

વિન્ટર ઑલિમ્પિકને જોતાં સરકારે અમુક વિસ્તારમાં લાદ્યું કડક લૉકડાઉન

ચીનના ગન્સુ પ્રોવિન્સમાં લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી. (તસવીર : પી.ટી.આઇ.)

ચીનમાં અચાનક ફરી પાછો કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. દેશની રાજધાની બીજિંગમાં એક વિસ્તારને મીડિયમ રિસ્ક તેમ જ એક સોસાયટીને હાઈ રિસ્ક શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. શહેરમાં કોરોનાના કુલ કેસ ૨૧ તો સમગ્ર દેશમાં ૩૩ નવા કેસ નોંધાયા હતા. વળી કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને કારણે આ કેસ વધ્યા હતા. બીજિંગ જિલ્લામાં એક વિસ્તારમાં બે કેસ જોવા મળ્યા હતા. અગાઉ આ વિસ્તારનો હાઈ રિસ્કમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. માત્ર આ એક વિસ્તારને બાદ કરતાં શહેરમાં ચિંતાજનક પરિસ્થિતિ નથી એવું સ્થાનિક ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.

ચીનની રાજધાનીમાં અચાનક આમ કેસ વધતાં અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. એક તો દેશના ટોચના નેતાઓ અહીં રહે છે અને આગામી ફેબ્રુઆરી મહિનામાં અહીં વિન્ટર ઑલિમ્પિક્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આ કેસના વધારા પાછળ કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર છે. વળી સંક્રમિત થનારા મોટા ભાગના લોકોની ઉંમર ૫૫ વર્ષ કરતાં વધારે છે. બીજિંગને બાદ કરતાં દેશભરમાં નવા ૩૩ કેસ નોંધાયા હતા; જેમાં આ નવા કેસ મૉન્ગોલિયા, ગન્સુ, હુબેઇ, હુનાન જેવા વિસ્તારો હતા.

કોરોનાના કેસ વધતાં મૅરથૉનને પણ અચોક્કસ મુદત માટે મોકૂફ રાખવામાં આવી હતી. વળી ચેંગપિંગ જિલ્લામાં આવેલી એક સોસાયટીના અંદાજે ૨૩,૦૦૦ લોકોને  ઘરમાંથી બહાર ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે આ પરિસરમાંથી ૯ કેસ મળી આવ્યા હતા. વળી સ્થાનિક પ્રવાસીઓને પણ તરત ટેસ્ટ કરવાનું જણાવ્યું છે.

international news coronavirus covid19