કોરોના વાયરસે ૫૦ લાખથી વધુ ભારતીયોનો ભોગ લીધો છેઃ અભ્યાસ

21 July, 2021 06:43 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે જાહેર કરેલા રિપોર્ટમાં થયો ખુલાસો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે. કરોડો લોકોએ આ મહામારીમાં જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધીમાં ભારતમાં કોરોના વાયરસથી લગભગ ૫૦ લાખ એટલે કે ૪.૯ મિલિયન લોકોનાં મોત થયા છે. એટલું જ નહીં, ભારત-પાકિસ્તાનના ભાગલા અને ભારતની આઝાદી પછીની આ સૌથી મોટી મહામારી છે.

ભાસ્કર ગ્રુપના અહેવાલ પ્રમાણે, અમેરિકાના વોશિંગ્ટન સ્થિત સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટે સિર્યોલોજિકલ અભ્યાસ, હાઉસહોલ્ડ સર્વે, વિવિધ રાજ્યોના મહાનગરપાલિકાના ડેટા અને ઈન્ટરનેશનલ એસ્ટિમેટ્સના આધારે એક રિપોર્ટ જાહેર કર્યો છે. એમાં ભારતના ત્રણ ડેથ એસ્ટિમેટને રજૂ કરવામાં આવ્યા છે. આ ત્રણેય ડેથ એસ્ટિમેટ ઓફિશિયલ જાહેર કરાયેલા ૪,૦૦,૦૦૦ના આંકડાથી વધુ છે. દેશનાં સાત રાજ્યની મહાનગરપાલિકામાં નોંધાયેલા ડેટા પર પણ નજર કરીએ તો આ આંકડો ૩.૪ મિલિયનથી વધુ મોત થયાં હોવાનું દર્શાવે છે. જો આ ગણતરી ઈન્ટરનેશનલ એજ-સ્પેસિફિકેશન ઈન્ફેક્શન ફેટાલિટ રેટ્સ(IFR)ના આધારે ભારત પર લાગુ કરવામાં આવે તોપણ દેશમાં લગભગ ૪૦ લાખ જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય આ ગણતરી કન્ઝ્યુમર પિરામિડ હાઉસહોલ્ડ સર્વે મુજબ કરવામાં આવે, એટલે કે વિવિધ રાજ્યોની ૮,૦૦,૦૦૦ વ્યક્તિ તો પણ આ આંકડો ૪.૯ મિલિયનથી વધુ મોત થયા હોવાનો અંદાજ આપે છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતે માર્ચ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન એટલે કે કોરોના વાયરસની પ્રથમ લહેર દરમિયાન ગંભીરતા રાખી ન હતી. જેને પગલે દેશમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. દેશમાં પ્રથમ લહેરમાં જ લગભગ ૨ મિલિયન લોકોએ જીવ ગુમાવ્યો છે. આ રિપોર્ટ એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે જ્યારે પશ્ચિમી દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ સતત વધી રહ્યા છે.

coronavirus covid19 international news united states of america india