ઓમાઇક્રોનને હળવો ગણવાની ભૂલ ન કરો, જીવ જઈ રહ્યા છેઃ ડબ્લ્યુએચઓ

08 January, 2022 09:33 AM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અદનોમ ઘ્રેબ્રેસિયસે જણાવ્યું હતું કે રેકૉર્ડ સંખ્યામાં લોકો આ નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

કોરોના વેરિઅન્ટ ઓમાઇક્રોનની તીવ્રતા વિશે ચર્ચા ચાલી રહી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું હતું કે ઓમાઇક્રોન આખી દુનિયામાં લોકોને મારી રહ્યો છે અને માઇલ્ડ ગણીને એને હળવાશથી ન લેવો જોઈએ. ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અદનોમ ઘ્રેબ્રેસિયસે જણાવ્યું હતું કે રેકૉર્ડ સંખ્યામાં લોકો આ નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અનેક દેશોમાં કેસની સંખ્યાની દૃષ્ટિએ એ ઝડપથી ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી રહ્યો છે. એનો અર્થ એ છે કે હૉસ્પિટલ્સ દરદીઓથી ઊભરાઈ રહી છે. 
ટેડ્રોસે જણાવ્યું હતું કે ‘ડેલ્ટાની સરખામણીમાં ઓમાઇક્રોન ઓછો તીવ્ર હોવાનું જણાય છે, ખાસ કરીને રસી લેનારી વ્યક્તિઓમાં, પરંતુ એનો અર્થ એ નથી કે એને માઇલ્ડ ગણી લેવો જોઈએ. આ પહેલાંના વેરિઅન્ટ્સની જેમ જ ઓમાઇક્રોનના કારણે લોકો હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે અને એ લોકોના જીવ જઈ રહ્યા છે.’
તેમણે વધુ કહ્યું હતું કે ‘વાસ્તવમાં કેસની સુનામી એટલી તીવ્ર અને મોટી છે કે એનાથી આખી દુનિયાનું આરોગ્યતંત્ર ખોરવાઈ રહ્યું છે.’
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનમાં ગયા અઠવાડિયામાં કોરોનાના ૯૫ લાખ નવા કેસ નોંધાયા હતા. જેમાં એના પહેલાંના અઠવાડિયાની સરખામણીમાં રેકૉર્ડ ૭૧ ટકાનો વધારો થયો છે. 

Omicron Variant coronavirus covid19 international news world health organization