16 May, 2025 11:23 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
બુધવારે કતરના દોહામાં મુકેશ અંબાણી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. કતરના પ્રવાસ દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે બન્ને દેશો વચ્ચેના તનાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતે અમેરિકાને શૂન્ય ટૅરિફ વેપાર કરારની ઑફર આપી હોવાનો ડોનલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સતત દાવો કરતા ફરે છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે હવે બીજો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘ભારતે અમેરિકાને શૂન્ય ટૅરિફ વેપાર કરારની ઑફર કરી છે. ભારતમાં કંઈ પણ વેચવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેઓ વૉશિંગ્ટન સાથે શૂન્ય ટૅરિફ વેપાર સોદો કરવા તૈયાર છે.’
ડોનલ્ડ ટ્રમ્પે ૯ એપ્રિલે ભારત સહિત ઘણા દેશો પર ટૅરિફની જાહેરાત કરી હતી. અમેરિકાએ ભારત પર ૨૬ ટકા ટૅરિફ લાદી હતી. એ પછી તનાવની સ્થિતિ સર્જાઈ હતી. એના જવાબમાં ભારતે અમેરિકા સાથે વેપાર કરાર અંગે વાટાઘાટો વધારી હતી.