13 August, 2025 10:54 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પૅન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રુબિ, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર
પૅન્ટાગોનના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રુબિને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરને સૂટમાં રહેલો ઓસામા બિન લાદેન કહ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ‘અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ એક ઉદ્યોગપતિ છે જે હૉર્સટ્રેડિંગ માટે ટેવાયેલા છે. તેઓ (ટ્રમ્પ) સમજી શકતા નથી કે ખરાબ શાંતિકરાર યુદ્ધને આગળ ધપાવી શકે છે.’
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે તેમની અમેરિકાની સત્તાવાર મુલાકાત વખતે પરમાણુ ધમકી આપી હોવાથી આ ટિપ્પણીની સખત નિંદા કરતાં માઇકલ રુબિને કહ્યું હતું કે ‘તેમનો આ વાણીવિલાસ અમેરિકામાં ટ્વિન ટાવર્સ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલા અને એ માટે જવાબદાર આતંકવાદી ઓસામા બિન લાદેનની યાદ અપાવે છે.’
અમેરિકામાં અસીમ મુનીરે રિલાયન્સની જામનગર રિફાઇનરીને નિશાન બનાવવાની ધમકી આપી
ભારત સામે ધમકીઓ સાથે ઉશ્કેરણીજનક અને પ્રતિકૂળ ભાષણમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભવિષ્યમાં કોઈ પણ લશ્કરી સંઘર્ષની સ્થિતિમાં ગુજરાતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની જામનગર રિફાઇનરીને નિશાન બનાવવાનો સંકેત આપ્યો હોવાના અહેવાલ છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ પાકિસ્તાની લશ્કરી નેતાએ ભારતની મહત્ત્વપૂર્ણ તેલ રિફાઇનરી પર હુમલો કરવાનો ઇરાદો દર્શાવ્યો છે.