26 April, 2025 09:49 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની ધરતી પર થયેલા આતંકવાદી હુમલા બાદ દુનિયાભરના દેશો ભારતની સાથે ઊભા છે ત્યારે અમેરિકા, રશિયા અને ઇઝરાયલે તો ભારતને તમામ શક્ય મદદ કરવાનું કહ્યું છે. પહલગામ હુમલાને લઈને સમગ્ર ભારતમાં ગુસ્સો છે. ભારતે આ વખતે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે.
એક તરફ વડા પ્રધાન મોદીએ આખી દુનિયાને જણાવ્યું હતું કે આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દેવામાં આવશે. બીજી તરફ ગુરુવારે અંદાજિત ૨૦ દેશોના ટોચના રાજદૂતોને પહલગામ હુમલા અને ભારતના વલણ અંગે માહિતી પણ આપી. આ દેશોમાં અમેરિકા, બ્રિટન, રશિયા, યુરોપીય સંઘ, ઇટલી, કતાર, જપાન, ચીન, જર્મની, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને નૉર્વે સામેલ હતા. આ તમામ રાજદૂતોને સાઉથ બ્લૉક ખાતે વિદેશ મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા જેમાં આતંકવાદના સીમા પાર (પાકિસ્તાન) સાથે કનેક્શન હોવાના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. એટલે ભારતે આખી દુનિયાને સમજાવી દીધું કે અમે આગળ શું કરવાના છીએ.