I am Sorry: કારમી હાર બાદ ઋષિ સુનકે માગી માફી, હવે આ વ્યક્તિના હાથમાં યુકેની સત્તા

05 July, 2024 02:50 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

બ્રિટિશ ચૂંટણીમાં કિયર સ્ટારમરની લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે અને સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે

ઋષિ સુનકની ફાઇલ તસવીર

Rishi Sunak Apologizes After Crushing Defeat: બ્રિટિશ ચૂંટણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત મેળવી છે. હાર બાદ સુનકનું નિવેદન પણ આવ્યું છે. સુનકે કહ્યું છે કે, “મેં વિજેતા લેબર પાર્ટી અને તેમના નેતા કિયર સ્ટારમરને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો.”

ઉમેદવારોની હારની જવાબદારી લીધી

ઋષિ સુનકે વધુમાં જણાવ્યું હતું કે, “આજે તમામ પક્ષોની સદભાવનાથી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સત્તા નવા હાથમાં જશે. હું ઘણા સારા, મહેનતુ ઉમેદવારોની હારની જવાબદારી લઉં છું, જેઓ તેમના અથાક પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના સમર્પણ છતાં આજે રાત્રે પરાજય પામ્યા હતા અને મને તેનો અફસોસ છે.”

લેબર પાર્ટીને બહુમતી મળી

તમને જણાવી દઈએ કે, બ્રિટિશ ચૂંટણીમાં કિયર સ્ટારમરની લેબર પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે અને સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. લેબર પાર્ટીએ 394 સીટો જીતી છે, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ અત્યાર સુધી 103 સીટો જીતી છે. કુલ 650 બેઠકોમાંથી બહુમત માટે 326 બેઠકો જરૂરી છે.

‘લોકો દેશમાં પરિવર્તન લાવ્યા’

લેબર પાર્ટીના નેતા અને બ્રિટનના નવા વડાપ્રધાન બનવાના માર્ગે જઈ રહેલા કિયર સ્ટારમરે મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે, દેશના લોકો પરિવર્તન માટે તૈયાર છે. હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ જીત્યા બાદ તેમના વિજય ભાષણમાં, 61 વર્ષીય સ્ટારમેરે કહ્યું કે, “લોકોએ તેમને મત આપ્યા કે નહીં, હું આ મતવિસ્તારના દરેક વ્યક્તિની સેવા કરીશ.”

યુનાઇટેડ કિંગડમ અથવા ઇંગ્લેન્ડની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. પીએમ ઋષિ સુનકે સમય પહેલા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જોકે હવે તેમનું આ પગલું બેકફાયરિંગ જણાઈ રહ્યું છે. સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી પરિણામોમાં ખરાબ રીતે પાછળ છે, જ્યારે વિપક્ષી લેબર પાર્ટી જંગી બહુમતી તરફ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે લેબર પાર્ટીનું નેતૃત્વ કરી રહેલા કિયર સ્ટારમર સુનકને હટાવીને યુકેના નવા વડાપ્રધાન બનશે.

કોણ છે કિયર સ્ટારમર?

કિયર સ્ટારમર 61 વર્ષીય લેબર પાર્ટીના નેતા છે. તેમનો જન્મ 2 સપ્ટેમ્બર 1962ના રોજ ઓક્સ્ટેડ, સરેમાં એક મજૂર-વર્ગના પરિવારમાં થયો હતો. તેની માતા એક નર્સ હતી જે સંધિવાથી પીડાતી હતી. સ્ટારમરના પિતા ટૂલ મેકર તરીકે કામ કરતા હતા. સ્ટારમેરે રીગેટ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેઓ તેમના પરિવારમાંથી યુનિવર્સિટીમાં જનારા પ્રથમ વ્યક્તિ હતા.

રાજકારણમાં પ્રવેશતા પહેલાં વકીલાત

રાજકારણમાં પ્રવેશતા પહેલા કીર સ્ટારર વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા હતા. તેઓ બ્રિટનમાં માનવાધિકારના જાણીતા વકીલ હતા. તેણે લીડ્ઝ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કર્યો. મળતી માહિતી મુજબ, કિઅર સ્ટારમરે વર્ષ 1987માં બેરિસ્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

rishi sunak london united kingdom news international news