14 May, 2025 11:50 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
ભારત-પાકિસ્તાનના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારતના વારંવાર ઇનકાર છતાં બળજબરીથી મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે બંને દેશો વચ્ચેના વિવાદને ઉકેલવા માટે બળજબરીથી સરપંચ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાઉદી અરેબિયામાં એક સંબોધન દરમિયાન, ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામને તેમની સરકારની શાંતિ સ્થાપવાની સિદ્ધિ ગણાવી. તેમણે તો એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાને સાથે ડિનર પર જવું જોઈએ જેથી તણાવ વધુ ઓછો થઈ શકે. તમને એ પણ જણાવી દઈએ કે ભારત વારંવાર કહી ચૂક્યું છે કે પાકિસ્તાન સાથે ફક્ત PoK અને આતંકવાદ પર જ વાતચીત થશે. અને ભારતને બીજા કોઈની મધ્યસ્થી સ્વીકાર નથી.
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની હાજરીમાં યુએસ-સાઉદી ઇન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે બે પરમાણુ સશસ્ત્ર પડોશીઓ વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ ટાળવામાં અમેરિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, "થોડા દિવસ પહેલા જ, મારા વહીવટીતંત્રે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઐતિહાસિક યુદ્ધવિરામ હાંસલ કર્યો. અમે આમાં વેપારને હથિયાર તરીકે ઉપયોગ કર્યો. મેં કહ્યું, મિત્રો, ચાલો કંઈક વેપાર કરીએ. પરમાણુ મિસાઇલો નહીં, પરંતુ બંને દેશો જે વસ્તુઓ સુંદર રીતે બનાવો છો તેનો." તેમણે આગળ કહ્યું, "બંને દેશોમાં ખૂબ જ સમજદાર નેતાઓ છે. અને પછી બંને દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું. આશા છે કે તે આ રીતે જ રહેશે."
ભારતની તીવ્ર પ્રતિક્રિયા - યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહીં
ભારત સરકારે ફરી એકવાર ટ્રમ્પના આ નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ સંપૂર્ણપણે બંને દેશોના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચેની પરસ્પર વાટાઘાટોનું પરિણામ છે. આમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નહોતી.
આ પહેલી વાર નથી જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો દાવો કર્યો હોય. અગાઉ પણ તેમણે કાશ્મીર મુદ્દા પર આવી જ ઑફર કરી હતી, જેને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
પોતાના ભાષણમાં, ટ્રમ્પે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ રુબિયો તરફ વળ્યા અને કહ્યું, "મને લાગે છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો હવે એક-બીજા સાથે સારી રીતે રહી રહ્યા છે. કદાચ આપણે તેમને થોડા હજી નજીક લાવી શકીએ. આપણે તેમણે ડિનર પર મોકલીએ તો કહવું રેહશે?
ઉલ્લેખનીય છે કે ભારત પાકિસ્તાન સંઘર્ષ વિરામને લઈને વિદેશ મંત્રાલયે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. કૉન્ફરન્સ દરમિયાન સંઘર્ષ વિરામમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીને લઈને વિદેશ મંત્રાલયે કહ્યું કે કાશ્મીર પર અમને મધ્યસ્થી સ્વીકાર્ય નથી. પાકિસ્તાને પીઓકે ખાલી કરવું પડશે.