09 May, 2025 11:55 AM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent
પાકિસ્તાનના વડાપ્રધાનની ફાઇલ તસવીર
ભારત (India)ના હુમલા બાદ પાકિસ્તાન (Pakistan) ગભરાઈ ગયું છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ છે (India – Pakistan Tension) કે તે હવે વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી લોન માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાન સરકારના આર્થિક સલાહકાર વિભાગ દ્વારા સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર એક પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં, ભારતના હુમલા (Operation SIndoor) પછી પાકિસ્તાને વિશ્વ બેંક સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોનની માંગણી કરી છે.
૨૨ એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) પછી ૬ અને ૭ મેની રાત્રે ભારતે ઓપરેશન સિંદુર (Operation Sindoor) હાથ ધર્યું હતું. ત્યારબાદ ગઈ કાલે પાકિસ્તાને ભારતના અનેક સ્થળોએ ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ભારતીય સશસ્ત્ર દળો (Indian Armed Forces)એ તમામ પ્રયત્નો નિષ્ફળ કર્યા હતા. આ પછી પાકિસ્તાનની હાલત કફોડી થઈ છે.
પાકિસ્તાન સરકારે વિશ્વભરના તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી વધુ લોન માંગી છે. જોકે, પાકિસ્તાને પાછળથી કહ્યું કે, તેના એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા છે.
પાકિસ્તાન કહે છે કે, વધતા યુદ્ધ અને શેરબજારમાં ઘટાડા વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને અમારી મદદ કરવા વિનંતી કરીએ છીએ. આ સાથે, પોસ્ટમાં રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી કરવામાં આવી છે.
પાકિસ્તાને પોસ્ટમાં લખ્યું છે કે, ‘દુશ્મન દ્વારા થયેલા ભારે નુકસાન પછી પાકિસ્તાન સરકારે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને વધુ લોન માટે અપીલ કરી છે. વધતા યુદ્ધ અને સ્ટોક ક્રેશ વચ્ચે, અમે આંતરરાષ્ટ્રીય ભાગીદારોને તણાવ ઓછો કરવામાં મદદ કરવા વિનંતી કરીએ છીએ. રાષ્ટ્રને અડગ રહેવા વિનંતી.’
જોકે, આ પોસ્ટ વાયરલ થયા પછી અને વિવાદનો વિષય બન્યા પછી, પાકિસ્તાન સરકારે હવે આ અંગે સ્પષ્ટતા આપી છે. પાકિસ્તાને હવે કહ્યું છે કે X એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, પાકિસ્તાનને આર્થિક સંકટમાંથી બચાવવા માટે આજે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (International Monetary Fund - IMF)ની બેઠક છે. ભારત, IMF મેનેજમેન્ટનો ભાગ હોવાથી, આ બેઠકમાં પણ ભાગ લેશે અને અહીં પણ પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કરવાની કોઈ તક છોડશે નહીં. જોકે, ભારતના વિરોધ છતાં, પાકિસ્તાનને પેકેજ આપવાના પ્રસ્તાવને લીલી ઝંડી મળવાની સંપૂર્ણ શક્યતા છે કારણ કે IMFના બે સૌથી મોટા શેરધારકો, અમેરિકા (America) અને ચીન (China) તરફથી કોઈ વિરોધ થવાની શક્યતા નથી. ભારત બેઠકમાં સભ્ય દેશોને કહેશે કે, પાકિસ્તાનને નાણાકીય પેકેજ આપવાનો અર્થ વૈશ્વિક આતંકવાદને પ્રોત્સાહન આપવાનો છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન દ્વારા આ લોન વિનંતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે.